#ઉન્નતિ
કેટકેટલાં સ્વપ્ના જોયા હતા આધ્યાના મમ્મી પપ્પાએ આધ્યા માટે. આધ્યા ડોક્ટર બને અને ખૂબ ઓછી ફી વસૂલી લોકોની સેવા કરે કારણ કે શહેર માં એવા કેટલાય લોકો છે જેઓને પૈસાના અભાવે જોઈએ એવી સારવાર મળતી નથી. આધ્યા ડોક્ટર તો બની પણ માત્રને માત્ર પોતાની ઉન્નતિના સ્વપ્ના જોતી આધ્યાએ ડોક્ટર બન્યા પછી વિદેશમાં સ્થાયી થવાનું વિચાર્યું. વિદેશમાં પણ બધું સહેલું થોડુ છે? વિદેશમાં આગળ ભણવું પણ પડે છે અને મેડીકલ લાઇસન્સ લેવા માટે વિદેશની પરીક્ષા પણ આપવી પડે છે અને પાસ થઈએ તો જ લાઇસન્સ મળે. એ દરમ્યાન પોતાનો ખર્ચો પૂરો કરવા કમાવું પણ પડે. ગળામાં સ્ટેથોસ્કોપ ભરાઇને હોસ્પિટલ માં દર્દીઓની સારવાર કરતી ડૉ. આધ્યા ને બદલે વિદેશના એક શોંપીગ મોલમાં ટ્રોલી લઈને સામાન ગોઠવતી આધ્યાને જોઈને એટલું તો જરૂર થાય કે શું આને જ ઉન્નતિ કહેવાય ? કદાચ આધ્યાના મમ્મી પપ્પા પણ આજ વિચારતા હશે.