सर्वे भवन्तु सुखीन: सर्वे सन्तु निरामया:।
પૂજ્ય મોરારી બાપુ દ્વારા ચૈત્રી-નવરાત્રિ કથા સત્સંગ
વિશ્વ અને રાષ્ટ્ર પર આવેલી ભયાનક મહામારી રૂપી સંકટના સમયમાં, જ્યારે ગઈ કાલે ભારતના પ્રધાનમંત્રી દ્વારા ૨૧ દિવસનો લોકડાઉન આપવામાં આવ્યો છે, ત્યારે તેને ૨૧ દિવસિય અનુષ્ઠાન તરીકે મૂલવતા પૂજ્ય બાપુએ, ચૈત્રી નવરાત્રીના પ્રારંભે આજે "હરિ કથા સંવાદ" વિડિયો ક્લિપ દ્વારા પ્રસ્તુત કર્યો છે.🙏
સત્સંગના પ્રારંભે સહુને વિનય કરતા પૂજ્ય બાપુએ કહ્યું કે
"સ્વથી સર્વનાં પરમ હિત માટે, આપણે સહુ પ્રધાનમંત્રીના નિર્દેશોને, - ડરથી નહીં પરંતુ ગંભીરતાથી- ગ્રહણ કરીએ.
ધીરજ ધર્મ મિત્ર અરુ નારી।
આપદ કાલ પરિખ યે હિ ચારિ।।
અસુયાથી નખશિખ મુક્ત એવું એક પાત્ર- મા અનસુયા - અરણ્ય કાંડમાં કહે છે કે-" ધીરજ, ધર્મ, મિત્ર અને નારી- આ ચારની કસોટી આપદકાળમાં થતી હોય છે.
આજે રાષ્ટ્ર અને વિશ્વમાં બહુ મોટી આપત્તિ આવી છે. રાષ્ટ્રધર્મ અને વિશ્વ ધર્મમાં માનવાવાળા સહુ માટે આ એક વૈશ્વિક સંકટ છે, એક રાષ્ટ્રીય આપદા છે! માનસના આધારે હું પણ કહું છું કે ડરીને નહીં, છતાં બહુ જ ગંભીરતાથી આપણે સહુ ધૈર્ય ધારણ કરીએ!
ધૈર્ય આપણને બીજા પાસેથી પણ મળે, પરંતુ પરમ તત્વ પરના ભરોસાથી આપણામાં પેદા થયેલું ધૈર્ય, આપણને આપત્તિ કાળમાં બહુ જ મદદરુપ થઈ શકે.
ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરુણા. વાણીનું સત્ય, દિલનો પ્રેમ અને આંખોની કરૂણા - આ ત્રણની કસોટી પણ આપદ- કાળમાં જ થાય.
આપણે ઘણા મિત્રો હોઈ શકે. પરંતુ આપણી સાથે સૌથી વધુ સખ્ય તો પરમાત્મા જ દાખવે છે. કેટલા ય સબંધોથી આપણી સાથે જોડાયેલ પરમાત્મા, સખ્ય પણ સાધી શકે છે- જો આપણામાં યથામાત્રા, યથાશક્તિ અર્જુનપણું આપણે પ્રકટાવી શકીએ તો!!
પરમાત્મા બધે જ છે- સુખમાં પણ છે, દુઃખમાં પણ છે! સુખમાં તે પ્રગટ નથી થતા, પણ દુઃખમાં અવશ્ય પ્રગટ થાય છે! સુખમાં કૃષ્ણ સક્રિય નથી હોતા, પણ દુઃખમાં તો એ સક્રિય હોય જ છે! આવા પરમસખાનાં સખ્યને આપણે કેટલું નિભાવી શકશું, એની કસોટી પણ આ આફત કાળમાં થવાની છે.
નારી એ માતૃ શરીર જ નથી, માતૃશક્તિ પણ છે! આપણામાં રહેલી ઉર્જા--આપણી શક્તિ- ની કસોટી પણ આજની આ વિષમ પરિસ્થિતિમાં થવાની છે.આ મહાશક્તિ અનેક રૂપે - ક્ષમા રૂપે, પ્રેમ રૂપે, કરૂણા રૂપે, અહિંસા રૂપે- વિશ્વમાં રહેલી છે.
આવા કપરા કાળમાં આપણે ધૈર્ય સાથે ધર્મની કસોટીમાંથી પાર ઉતરીએ, આપણી વૈશ્વિક મૈત્રીને અખંડ બનાવી રાખીએ અને આપણી અંદર રહેલી ઊર્જાની આરાધના કરીએ."