એકલા જ આવ્યા મનવા એકલા જવાનાં...
સાથી વિના સંગી વિના એકલા જવાનાં...
કાળજાની કેડીએ કાયાના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયાનાં સાથ દે
કાયાના સાથ દે ભલે
છાયાના સાથ દે ભલે
પોતાના જ થઈને પોતાના વિનાનાં...
સાથી વિના સંગી વિના એકલા જવાનાં...
આપણે એકલા ને કિરતાર એકલો
એકલા જીવો ને તારો આધાર એકલો
એકલા રહીએ ભલે
વેદના સહીએ ભલે
એકલા રહીને ભેરું થાવ રે બધાનાં...
સાથી વિના સંગી વિના એકલા જવાનાં....
-બેફામ.
‘લાગણીની લક્ષ્મણરેખા...’
ગવાયેલાં ગીતમાં બે વાત ભળે છે; એક કવિનો શબ્દ અને બીજું સંગીતની શાંતિ ઓગળે છે...પ્રસ્તુત ગીત આપણે ત્યાં ગવાઇને – ખૂબ જ ગવાઇને જીવનનાં અભિગમને મોઘમમાં સમજાવે છે. બરકત વિરાણી-‘બેફામ’ને ગુજરાતી કવિતા ગઝલકાર તરીકે ઓળખે છે પરંતુ ગુજરાતી સંગીતની વાત આવે ત્યારે બેફામસાહેબ ગીતોથી પોતાની ઓળખને ચિરંજીવ કરી ચૂક્યા છે. આ ગીત દિલીપ ધોળકિયાએ ગુજરાતી સંગીતને આપેલું નજરાણું છે...કફનના સફેદ વસ્ત્ર પર અબીલ અને કંકુનાં છાંટા પડે ત્યારે અનુભવાતા દ્રશ્યની ભાવસ્થિતિ છે.એક બાજુ વિયોગ છે, વિજોગ છે. એક બાજુ રીસામણાં અને મનામણાં છે. એક બાજુ વિરહ અને મિલન છે, અનુરાગ અને અનુકંપા છે ...તો પછી કઈ દિશા સાચી ? જો છુટા પડવાનું જ છે તો સંબંધો શું કામનાં ? એકલા પડવાનું જ છે તો બધાને પાલવીને જીવન જીવવાનો અર્થ ખરો ! જવાનું નિશ્ચિત છે, જવાની જગ્યા પણ સુનિશ્ચિત છે. પહેલું વસ્ત્ર બાળોતિયું અને છેલ્લો લિબાસ કફન બંનેને ખિસ્સાં નથી હોતાં...!
આપણે મરજી સાથેનું, મરજી મુજબનું દરજીકામ કર્યું છે એટલે જ ખિસ્સામાં ભરી ભરીને એટલું બધું ભર્યું છે કે વજન નથી તો પણ શરીર ‘ભારેખમ’ બન્યું છે... મનનો મોતિયો ઉતરાવીને તો હૃદયની દ્રષ્ટિ સાફ થાય ખરી...! હૃદયનું મન તો વ્યક્તિ અને વસ્તુમાં હોય છે,શરીરમાં હોય છે. એને વાસનાને ખાતર પ્રેમની પડી છે, રાતનું અંધારું પડછાયાને ગુમાવી દે છે ત્યારે આપણે કોઈકની નિશ્રામાં, કોઈકની છાયામાં રહેવાનું પસંદ કરીએ છીએ અને છતાં યે આપણે એકલા રહી જઈએ છીએ...બેફામ સાહેબ પછીની પંક્તિ બહુ મજબુત આપે છે. ‘પોતાનાં જ પોતે, પોતાનાં વિનાનાં’...દરેક માણસ એનો પોતાનો છે અને એનાં વગરનો પણ છે. એને શરીરનું રુપ દેખાય છે, આત્માનું સ્વરૂપ નથી દેખાતું..આ પંક્તિનો બીજો અર્થ કરવાનું પણ મન થાય છે. દરેક માણસને પોતાનું ‘પોત’ હોય છે. એટલે જ આપણે ત્યાં ‘પોત પ્રકાશ્યું’ એવો રૂઢીપ્રયોગ છે...આપણે આપણી નેઈમ પ્લેટની ઉંમર વધારીએ છીએ અને આપણા અંતરથી આપણું જ ‘અંતર’ વધારીએ છીએ...
આપણે એકલા છીએ એમ ભગવાન પણ એકલો જ છે... વાત તો આપણે એનામાં અને એ આપણામાં જીવ પરોવીને જીવે તો જિંદગી ખેલદિલી અને દરિયાદિલીનું નામ બની જાય... આ એકલાની ગતિ આપણી એકલાની નથી,દરેકની છે... પોતાની રીતે- પોતાની પ્રીતે દરેક માણસ એકલો છે... વેદનાનો વેપલો છે... પરંતુ એકલા રહીને બધાનાં થવાની પણ મજા હોય છે... આખું ગીત વિરહનું છે, નકારનું છે. પણ નકાર ગુંગળાઈને હકાર બંને છે... એટલે કવિ એકલા રહીને બધાનાં થવાની વાત કરે છે... ‘જીવનનાં હકારની આ કવિતા’ બધું જ છોડી દેવા માટે નહીં, બધું જ મેળવી લેવા માટે પણ નહીં, પણ જીવનને સમતોલ રાખવાની કેળવણીની કવિતા છે..અહિંયા ‘લાગણીની લક્ષ્મણરેખા’ છે. વેણીભાઈ પુરોહિતની પંક્તિઓ યાદ આવે છે...
‘તમારાં વિનાનાં અમે અમારાં વિનાનાં...’