परस्परविरोधे तु वयं पंचश्च ते शतम् ।
परैस्तु विग्रहे प्राप्ते वयं पंचाधिकं शतम् ।।
આ સુભાષિતનો ભાવાર્થ નીચે અનુસાર છે :
"પરસ્પરનો વિરોધ હોય ત્યારે આપણે પાંચ અને તે સો છે, પરંતુ જ્યારે બીજા સાથે આપણો વિગ્રહ થાય ત્યારે આપણે એકસો ને પાંચ છીએ."
મહાભારતના અરણ્યકાંડમાં એક પ્રસંગ આવે છે. કૌરવો ઉપર ગંધર્વો આક્રમણ કરે છે. પાંડવોને આ સમાચાર પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિર બાકીના પાંડવોને પૂછે છે કે આપણે કૌરવોને મદદ કરવી જોઈએ કે નહીં ? ભીમ વગેરે જણાવે છે કે કૌરવો આપણા શત્રુઓ છે. આથી આપણે તેમને મદદ કરવી જોઈએ નહીં. ત્યારે યુધિષ્ઠિર ઉપરનું સુભાષિત કહે છે. જેનો અર્થ ખૂબ સરળ અને સમજાય તેવો છે. પરસ્પરનો વિરોધ હોય ત્યારે આપણે ભલે વહેંચાયેલા હોઈએ, એકબીજાને શત્રુ માનતા હોઈએ, વિભક્ત હોઈએ પરંતુ બીજા લોકો સાથે જ્યારે આપણો સંઘર્ષ થાય છે ત્યારે આપણે એક હોવા જોઈએ. ગુજરાતીમાં પણ એક પ્રસિદ્ધ પંક્તિ છે કે :
*કડવા હોય લીમડા શીતળ એની છાય,*
*બાંધવ હોયે અબોલડા તોય પોતાની બાય.*
આ વાતને જ યુધિષ્ઠિરની ઉપરની પંક્તિઓ ચરિતાર્થ કરી રહી હોય તેમ જણાય છે. ખૂબ નાની આ વાતમાં ઘણો મોટો ઉપદેશ રહેલો છે.