નવા વર્ષની શુભકામના સાથે થોડું ચિંતન
તારીખ મહિનો વર્ષ તો બદલાય છે બકા,
જીવનનું પાનું ક્યાં કદી પલટાય છે બકા.
તારી દિશામાં કે દશામાં કૈં ફરક નથી,
તું ખાલી -ખાલી કેટલો હરખાય છે બકા.
તેં આગલા વર્ષે ઘણાં સંકલ્પ તો કર્યા!
થોડો ઘણો એનો અમલ પણ થાય છે બકા?
અનુભવ નથી ,કે તું વધારે પી ગયો હશે,
પગ કેમ તારા આટલાં લથડાય છે બકા!
રેતીનું આ ઘર કેટલું ટકશે ખબર નથી,
છાતી સુધી મોજાં સતત અથડાય છે બકા.
મીઠાશને તું પામવા 'સાગર' સુધી ગયો,
વર્ષો નકામી જીદમાં ખર્ચાય છે બકા.
રાકેશ સગર, સાગર, વડોદરા .