આજે નવલાં નોરતાનો છેલ્લો દિવસ. નવ ઝગમગતી રાતો અને ઢોલ-ગરબાનો શોર. આનંદમાં ઝૂમતા ખેલૈયાઓ અને સ્થાપીત ગરબો. અહાહાહા... ઉત્સાહભેર મનથી નાત-જાતને ઘેર મુકી બસ આખી રાત માણવાનાં દિવસો. કોઈ રોક-ટોક નહીં, કોઈ બંધન નહીં કે કોઈ જાતનો સંકોચ નહીં. માંની આરાધના , ઉપવાસ, જમણવાર અને સેવાથી સંતુષ્ટ થતાં મન. જાતજાતની રંગબેરંગી ચણિયાચોળી, ગોળ ફરતાં ચમકતાં આભલાં, પગનાં નખથી માંડી માથાં સુધીનો શણગાર અને ગુલાબી હોઠોં પર આંખો સુધી લંબાતું સ્મિત. જગ-જનનની માં અંમ્બાનાં નવ રુપની શૌર્યગાથા. જાણે કેટલું બધું શીખવાડી જાય છે આ નવરાત્રીનો પર્વ. કેટકેટલા આશીર્વાદ આપી જાય છે. જ્યાં જીવનનાં કામો માટે 24 કલાક પણ ઓછાં પડે છે ખબર નહીં ક્યાંથી ભક્તિ અને આનંદનો સમય કાઢી શકાય છે. અને મેદાનમાં ઉભરાતાં આ લોકો!... બાપરે... કેટલીય વાર તો ઘણાં લોકોને જોઈ વિચાર આવે આ માણસને તો પહેલીવાર જોયાં. ભલેને પોતાનાં એરીયામાં જ ગરબા રમતાં હોય. પછી વિચાર આવે ખરેખર રોજબરોજની જિંદગીમાં એટલો સમય જ ક્યાં છે કે કોઈ સામે જોઈએ, વાતો કરીએ કે ઓળખાણ વધારીએ.
અહીંયા તો મારો દરેક કામનો સમય નક્કી. પાંચ મિનિટમાં આ કામ, સાત મિનિટમાં આ કામ અને આટલાં વાગ્યે ઘેરથી નિકળીયે એટલે સમયસર જે-તે સ્થળે પહોંચી જવાશે. મારાં મમ્મી રોજ બોલે કે કોઈક દિવસ આ આદતને કારણે ફસાઈ જઈશ . પાંચ દસ મિનિટ જલદી ઉઠવું કે પાંચ મિનિટ જલદી નીકળવામાં શું જાય છે!... પણ મમ્મીને કોણ સમજાવે કે રોજની બોરીંગ લાઈફમાં એક thrilling experience આ જ છે.. અને આ નોરતાં આવે ને મારી દિનચર્યા બદલાય જાય. પણ આ નવરાત્રીનો આનંદ મારાં બોરીંગ જીનમાં રંગો, આભલાં, મેચીંગ ઓઢણીઓ અને ગરબાની રમઝટ લઈને આવે. કદાચ એટલે જ મારો સૌથી પસંદગી ભર્યો પર્વ નવરાત્રી જ હોય . થોડું દુઃખ થાય છે કે બસ યાર પુરું આજે બધું?!... દશેરા પછી ફરી પેલી પાંચ-દસ મિનિટ માટે દોડવાનું?!...
પણ કહેવાય છે ને બદલાવ એ જીવનનો નિયમ છે.. જ્યાં છે, જે પણ કામ કરતાં હોય કે ભણતાં હોય, આશા છે કે આ નવરાત્રીથી માંડી આવતી નવરાત્રી સુધીનું આખું વર્ષ માંના આશીર્વાદથી પ્રગતિશીલ બને. મને પણ અને તમને પણ ધારેલાં દરેક કામમાં સફળતા મળે.
Waiting for the next hopeful and happy navratri.