#Gandhigiri
ગાંધીની શોધમાં
ગાંધીને ગણવાના ન હોય,
એને મનમાં ચણવાના હોય.
ગાંધીનું મૂલ્ય ચલણી નોટની વેલ્યુ ઉપરથી થઇ ન શકે,
એને મૂલવવા તો તાતણે - તાતણે કંતાવું પડે.
અહં ને સ્વમાં પીગાળીએ ત્યારે ગાંધી જડે.
મુઠ્ઠી હાડકાના માણસે ચપટીક મીઠું ઉપાડવા
કેટલું સાહસ વાવ્યું હશે ?
બેરિસ્ટર હોવા છતાં એક વસ્ત્ર પહેરીને,
ચરખે બેસી ભારતના વસ્ત્ર વંચિત ગરીબોની
ચિંતા કરી શકે એ ગાંધી.
તમે બોખલા સ્મિત પાછળની અનુકંપા જોઈ ન શકો,
તો ખાદીને પામી ન શકો.
લાકડીના ટેરવે વૃદ્ધત્વનાં બદલે ખુમારી મળે
તો એને મહાત્મા જાણજો.
સત્ય અને કરુણાના પાયા ઉપર પગથીયે-પગથીયે
નૈતિકતા લઈને નીકળી પડો,
ત્યારે ટોચ ઉપર જે અનુભવાય એ જ ગાંધી.