ફેસબુકના પાનેપાને મોટાંમોટાં નામ લડે છે,
શ્રદ્ધા, બુદ્ધિ, શબ્દો લઈને લગભગ આખું ગામ લડે છે !
પ્રેમશંકરે વર્ષો પહેલાં ફોડ્યો 'તો પરપોટો ;
"તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો,"
તોય અહીં સંસારી સામે ઊંચી બાંયે ધામ લડે છે !
સદીઓ પહેલાં કહ્યું કબીરે: એક શબદ કરે ઘાવ,
ભણ્યા, ભૂલ્યા તો ભારતમાતા ક્યાંથી દે શિરપાવ ?
સૌથી દુઃખદ વાત એ જ કે જમણા સામે વામ લડે છે.
લવિંગની લાકડીઓ વીંઝે તો બિરદાવું,
ફેંકે ફૂલ-દડૂલા તો હું ઢોલ બજાવું,
'મધિયા' એને શું કહું કે જે લઈ હાથમાં જામ લડે છે !
- મધુસૂદન પટેલ 'મધુ'