सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि ।
प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति ॥
(ભગ્વદગીતા, તૃતિય અધ્યાય, શ્લોક ૩૩)
(સર્વ પ્રાણીઓ પ્રક્રુતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઇને કર્મો કરે છે, જ્ઞાની પણ પોતાની પ્રક્રુતિ અનુસાર ચેષ્ટા કરે છે, એમાં કોઇનો દુરગ્રહ શાનો?)
કૃષ્ણ એટલે સાંપ્રત સમયમાં અનુસરવા યોગ્ય જીવનચરિત્ર. કદાચ કલયુગના ઘણા પ્રશ્નોના જવાબ એમની જીવનીમાંથી મળી જાય.
આસ્તિકતા અને નાસ્તિકતા વચ્ચે અટવાયેલા મારા જેવા લોકોની માટે પણ પથદર્શક બને એ કૃષ્ણ.
ત્રેતાયુગમાં જન્મેલા રામ અને દ્વાપરયુગમાં જન્મેલા કૃષ્ણ વચ્ચે એટલો જ ફરક જેટલો એ બન્ને યુગ વચ્ચેની સામાજીક વ્યવસ્થાનો. રામ આદર્શ પુરુષ છે એટલે એ હંમેશા આદરને પામે છે જ્યારે કૃષ્ણ પોતાના લાગવાથી પ્રેમ અને ઠપકો બન્ને પામે છે.
અત્યારના સમયમાં સૌથી વધારે જરુરત હોય તો એ છે હકારાત્મકતા (પોઝીટીવીટી)ની અને કદાચ કૃષ્ણ એટલે જ હકારાત્મકતા.
શ્રીમદ ભગવતપુરાણના ૨૪ અવતારો કે દશાવતારમના ૧૦ અવતારોમાં સૌથી વધારે લોકચાહના પામેલો કોઇ અવતાર હોય તો એ છે કૃષ્ણ અને એ પણ હકિકત છે કે આ બધામાંથી પોતાના જીવન દરમ્યાન સૌથી વધારે અપશબ્દો (અપમાન કે શ્રાપ પામનાર) સાંભળનાર પણ કૃષ્ણ.
કૃષ્ણ એટલે સંપુર્ણતા.
જેને જયદેવના ગીત ગોવિંદમાં વિપ્રલમ્ભ શ્રૃંગારમા રાધા સાથે અનુભવી શકો છો એને કુરુક્ષેત્રમાં ભગવદગીતાના કર્મના સિધ્ધાંત કહેતા પણ જોઇ શકો છો .
જેને સુદર્શનથી શિશુપાલ વધ કરતા કલ્પી લો છો એને માખણની ચોરી કરતા પણ માણી શકો છો.
દ્રોપદીના ચીર પુરનાર પણ કૃષ્ણ અને સર્વશક્તિમાન હોવા છતા જે પોતાની પત્ની સત્યભામાને સમજાવવા માટે નારદના સેવક બને એ કૃષ્ણ.
આજના આધુનિક યુગમાં છોકરીઓ પર પ્રતિબંધ નાખે છે એમને સ્ત્રિ પુરુષના સબંધોનો ત્રીજો પરિમાણ સમજાવી શકે એ એટલે દ્રોપદી અને કૃષ્ણનો સખીભાવ.
દરેકના પોતાના કૃષ્ણ છે અને એ જ કૃષ્ણનુ મહાત્મય છે.......