ગર્લફ્રેન્ડ અને પત્ની વચ્ચે ફરક શું? સામ્યતા શું?
મોટા ભાગના પુરુષોની દિલના કોઈ છાના ખૂણે ઈચ્છા હોય કે એમના જીવનમાં કોઈ ગર્લફ્રેન્ડ હોત તો મજા આવી જાત! થોડી વારની છાની છપની મુલાકાતો માટે ટોપલો ભરીને ગિફ્ટ આપવી પડે તો પણ પ્રેમિકાની એક મુસ્કાન ઉપર પુરુષ ઓળઘોળ થતો હોય છે! જેની પાસે સરસ ગર્લફ્રેન્ડ છે એવા પુરુષનો બાકીનો બધો વખત મિત્રો સાથે જ પસાર થતો હોય છે!
જેના જીવનમાં ગર્લફ્રેન્ડ છે પણ પત્ની નથી એની ઈચ્છા હોય એને એક સુંદર, પ્રેમાળ પત્ની મળી જાય! જે પોતાનું ઘર સંભાળે, માબાપ અને બીજા સભ્યોની પ્રેમભરી કાળજી રાખે. પોતે ઘરે ના હોય તો પણ ઘરની જરાય ચિંતા ના કરવી પડે એવી પત્ની મળે ત્યારે પુરુષનું જીવન સ્વર્ગ જેવું સુંદર થઈ જાય. આ વખતે પણ એ ઘરની જવાબદારી પત્નીને સોંપી મિત્રો સાથે વોટ્સપનો વહેવાર તો સાચવતો જ હોય..
જે ભાગ્યશાળી પાસે બંને છે, ઘરવાળી અને બહાર વાળીની જેમ, પત્ની અને પ્રેમિકા બન્ને છે એની પાછી એક નવી જ ઉપાધિ હોય, એ એક સહ્રદયી મિત્ર શોધતો ફરતો હોય છે જેની આગળ જઈને એ એના જીવનની મજા અને વ્યથા બંને વિના સંકોચ ઠાલવી શકે! બબે નારીઓ સાથે સુમેળભર્યા સંબંધ જાળવી રાખવા એ કંઈ મગફળી ખાવા જેટલું આસાન નથી! એટલે જ બંને બાજુએથી ઘેરાયેલો પુરુષ મિત્ર ઈચ્છે છે અને સૌથી મજાની વાત એ છે કે મિત્રતામાં જાતિ નથી જોવાથી, એ પુરુષ કે સ્ત્રી કોઈ પણ હોઈ શકે બસ એકબીજા સાથે મગજની વેવલેંથ મળવી જોઈએ... કેટલાક નસીબદાર પુરુષો પાસે પત્ની, બોનસ સમાન પ્રેમિકા અને એની ઉપર લોટરી લાગી હોય એવી સ્ત્રીમિત્ર પણ હોય!
હવે આટલે સુધી તમે ધ્યાનથી વાંચી લીધું હોય તો શાળામાં શીખેલા લા.સા.અ. અને ગુ.સા.અ. યાદ કરી ઉપરની ત્રણેય શક્યતમાંથી કેટલાક કોમન ફેક્ટર અલગ તારવી જુઓ.. શું બચે છે? એ જ છે જીવનનું સૌથી મોટું સુખ, ના સમજાય તો માથું ખંજવાળવાનું રહેવા દો, આગળનું જ્ઞાન વાંચી લો! ?
ટુંકમાં આજનું જ્ઞાન, પત્ની, પ્રેમિકા એ બધું ભલે રહ્યું પણ જો તમારી પાસે એક સારો દોસ્ત નથી કંઈ જ નથી!
મારા તમામ દોસ્તોને નિયતીના જય શ્રીકૃષ્ણ ?