ગઝલ
ગોઠવી દો ફૂલ સઘળાં ફૂલદાનીમાં હવે,
બાગ પણ છે ક્યાં સલામત રાજધાનીમાં હવે.
કેદ કીધી છે સુગંધો ને ભરીને પાત્રમાં,
ક્યાં રહ્યો છે કસ અહીં પણ બાગબાનીમાં હવે.
રોફ સિક્કાના ગયા જે નામના પડતા હતા ,
ક્યાં મળે છે શીંગ મુઠ્ઠી ચારઆનીમાં હવે.
પુષ્પ ગુચ્છોને ખરીદી હું સજાવી લેત પણ,
ક્યાં મને પોષાય છે આ આમદાનીમાં હવે.
ચોતરફ ચાલી રહ્યું છે સ્વાર્થ નું કેવું ચલણ ?,
લાગણીઓ વૃધ્ધ થઇ છે ભરજુવાનીમાં હવે.
જિંદગી ખુદ લાશ પોતાની ઉપાડીને ફરે,
છે સમય ક્યાં જીવવાનો જિંદગાનીમાં હવે.
હે પ્રભુ ! તું પણ ગણી લેજે ગઝલને પ્રાર્થના,
ગીત તારાં કોણ ગાશે કાગબાનીમાં હવે.
દાજી ૨૭૧૯