તારો ચહેરો તારી સામે ધરવો હતો ત્યારે તું ક્યાં હતી?
ને હાથોમાં મારા અરીસો હતો ત્યારે તું ક્યાં હતી?
મોસમ આવી હતી ગુલદસ્તો દેતી ગઈ ને હું જોતો રહ્યો,
ખાલી કુંપણનો કોરો દિલાસો હતો ત્યારે તું ક્યાં હતી?
તું નહી,તારી છત નહી, તારી દીવાલનો છાયડો પણ નહી,
એકલો હું ઊભો હતો માથે તડકો હતો ત્યારે તું ક્યાં હતી?
મારા હાથમાં કંકુ ને ચોખા હતાં એક મીંઢળ હતું,
મારી માફક સમય પણ કુંવારો હતો ત્યારે તું ક્યાં હતી?
આંખ તેજસ્વી, ચહેરો રૂપાળો હતો, વાળ કાળા હતાં,
અને તારી યાદોએ પણ તંબુ તાણેલો હતો ત્યારે તું ક્યાં હતી?
- ખલિલ ધનતેજવી