નાનકુડા એક ઝાડવાએ પણ ભરબપ્પોરે ધોમધખેલા તડકાને જઇ સાવ મોઢામોઢ કઇ દીધુ કે –
વાત શું કરે ?
એમ તમારા કહેવાથી કાંઇ પાંદડુ ખરે ?
પડછાયાને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો ?
હાંફતા હોઠે હાશ બોલાતુ હોય ને એમાં હોય છે આખ્ખો વેદ જાણો છો ?
એકલી લૂના આમ ફૂંફાડા મારવાથી કાંઇ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઇના લીલા
દિવાડા ઠરે ? વાત શું કરે ?
કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતુ હોય છે શું દાળીઓની રંગીન છટામાં ?
અકળાયેલો આકરો સૂરજ અમથો કદિ ખાબકે લીલીછમ ઘટામાં ?
પાર પેલેથી લ્હેરખી સાથે એ ય નીંરાતે બેસવા આવેલ ટહુકાઓનુ કરવા સ્વાગત કોઇ કદિ કાંઇ
ઝાંઝવા ધરે ? વાત શું કરે ?
તડકામાંથી તરણુ બની કોકની ચાંચે જીવ અડોઅડ જઇ ગુંથાઇ તો જોજો
પાંદડુ નાનુ મર્મરીને ગીત મજાનું ગવડાવે ઇ દિલથી જરા ગાઇ તો જોજો
આપણી ઉપર આંખ મીચીને આમ મુકેલા એકલા આ વિશ્વાસની ડાળે, ઝૂલતા માળે, કોઇના નાના –
સપના શું કાઇ હિબકા ભરે ?
વાત શું કરે ?
– કૃષ્ણ દવે