ગઝલ..મારો હરજી...!!!
પડછાયા સમ મારી લારે મારો હરજી,
જીવનનું ગાડું હંકારે મારો હરજી.
હાલક ડોલક થાતી જીવન નૈયા મારી,
છો ડૂબાડે દુનિયા, તારે મારો હરજી.
સત્કાર્યો કાજે,જૂગટું માંડ્યું છે રમવા;
હારી બાજી જીતું, હારે મારો હરજી.
મારા સઘળાં કામો એની કાંધે નાંખે,
હું ધારું એ પેલા ધારે મારો હરજી.
શામળશાના રૂપે, નરસૈયાની હૂંડી;
દ્વારિકાના ચૌટે,સ્વિકારે મારો હરજી.
-અશોક વાવડીયા
*લારે= પછવાડે,પાછળ,સંગાથે,સથવારે
*હારે= જોડે,સાથે,ભેગું
*ધારે= વિચારવું,કલ્પના કરવી,નક્કી કરવું
છંદ= મુતદારિક બહર નો ૨૪ માત્રા
ગુજરાતી શબ્દો
ગાગા ગાગા ગાગા ગાગા ગાગા ગાગા
અરબી શબ્દો
ફઅલુન,ફઅલુન,ફઅલુન,ફઅલુન,ફઅલુન,ફઅલુન