ગઝલ..'સીતા હરણ' સતત...!!!
થાશે હરણ સીતાનું કે 'સીતા હરણ' સતત.?
મારીચ પાછળ આજ પણ ભાગે ચરણ સતત.
તાંદૂલ સાક્ષી મિત્રતાની એ હરેક ક્ષણ,
આપે સુદામા કૃષ્ણના ઉદાહરણ સતત.
જોઈ સરોવર રણ મહીં ધીરજ ખૂટી તરસ,
પાસે ગયા ને ઝાંઝવાના આવરણ સતત.
પ્હેલા સરીખો કેફ ક્યાં ગુલિસ્તાનમાં રહ્યો,
ગાયબ ભરોસાનું મળે વાતાવરણ સતત.
ભાંગો, નવેસરથી બનાવો હેમ, હેમ રે;
પીડાય ઘાથી આ હથોડો ને અરણ સતત.
ખારાશ દરિયામાં ભળી સમજાય છે હવે,
આંખે વહાવ્યા કેટલાં ખારા ઝરણ સતત.
જીવંત 'રોચક' અંત ઈશ્વર હાથમાં સતત,
બસ આટલું તમ રાખજો મનમાં સ્મરણ સતત.
-અશોક વાવડીયા
*અરણ= એરણ,લુહાર તથા સોનીનું ધાતુ ઘડવાનું ચોરસ કે લંબચોરસ ગચિયું.
છંદ= રજઝ બહરનો ૨૪ માત્રા
ગુજરાતી શબ્દો
ગાગાલગા ગાગાલગા ગાગાલગા લગા
અરબી શબ્દો
મુસ્તફઈલુન મુસ્તફઈલુન મુસ્તફઈલુન ફઅલ