રવિવારની રમૂજ
નવીગાડી, નવું એસી , નવાં છે ફ્રીજ મોબાઇલ,
પછી તારીખ આખરમાં બધાં બીલો ધરી જાજે.
દિવસ લાંબા અને રાતો છે ઊની માસ આખરમાં
મહિનાની કમાણી છેક હપ્તામાં વરી જાશે.
કરીને શાયરી દીધાં હતાં ત્યારે વચન સઘળાં,
સમયની ચાલ બદલાતાં બધા શબ્દો ફરી જાશે
સિતારા આભથી લાવી તમારી માંગમાં ભરશું,
હકીકત આવશે સામે બધી મંછા મરી જાશે.
કમલની પંખડી ધારી કદી જે હોઠ ચૂમ્યા'તા,
વખતના તાપમાં સઘળાં શબદ પુષ્પો ખરી જાશે.
કરીને કરકસર જીવન બગીચાને સજાવીશું,
અને શમણાં તણું એ ઘાસ સસલાંઓ ચરી જાશે.
સમયની રેત મુઠ્ઠીમાં નથી બાંધી શકાતી જ્યાં,
મલકતી ને છલકતી આ જુવાની પણ સરી જાશે.
દાજી.