સમય
*****
પરીક્ષા અગનની કરી માત સીતા,
છતાં પણ ધરણમાં સમાવું પડે છે.
પતિ પાંચ હોવા છતાં દ્રોપદીને,
સભા રાજ વચ્ચે લજાવુ પડે છે.
સત્યના સુકાની હરિશચંદ્રને પણ,
ભરી આ બજારે વેચાવુ પડે છે.
અજાચક સુદામા સખાની સમીપે,
મુઠ્ઠી જાર માટેય જાવું પડે છે.
મહાભારત તણાં સમર્થ અર્જુનને,
સમયની થપાટે લુંટાવુ પડે છે.
રઘુ રામ રાજે વચન એક કાજે,
વરસ ચૌદ વનમાં વિતાવું પડે છે.
અખિલ આ જગતનાં ધણીને અકાળે,
તરુ નાં વિસામે વીંધાવુ પડે છે.
અરે! કેમ "કેશર" કરો છો ગુમાની?
સમય ના ઇશારે નચાવુ પડે છે.
- કેશર