રાષ્ટ્રીયઃ NIAએ બુધવારે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના 17 જગ્યાએ તપાસ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન 10 સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી. આતંકી સંગઠન ISIS જેવું મોડ્યૂલ હરકત-ઉલ-હર્બ એ ઈસ્લામ ઉત્તર ભારતમાં વિસ્ફોટનું ષડયંત્ર કરી રહ્યાં હતા. જે બાદ ઈનપુટના આધારે ઉત્તરપ્રદેશના અમરોહા, દિલ્હીના જાફરાબાદ, લખનૌ સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યાં હતા.
ગુજરાતઃ ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચારથી ખદબદતું કોઇ ખાતું હોય તો તે મહેસુલ ખાતું છે બીજા ક્રમે પોલીસ ખાતું છે એવી કબૂલાત રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એ કરી છે. વર્તમાન મહેસુલ મંત્રી કૌશીક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું મહેસુલ મંત્રી બન્યો તે પહેલાં મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હતો. અમદાવાદ ખાતે ઓનલાઇન N.A (નોન એગ્રીકલ્ચર) પ્રમાણપત્રના વિતરણ માટે યોજાયેલ કાર્યક્રમમાં રૂપાણીએ કહ્યું હતું કે આ બંને વિભાગમાં ભ્રષ્ટાચાર કંઇ રીતે નાબૂદ કરવો એ મોટો પડકાર છે.
આંતરરાષ્ટ્રીયઃ બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ચીનની શાળાઓમાં ચિપવાળા યુનિફોર્મ શરૂ કરવામાં આવ્યા છે. 17 પાઉન્ડ (આશરે રૂ. 1,500)ની કિંમતના આ યુનિફોર્મમાં ખભાની તરફ એક ચિપ લાગેલી છે. આ ચિપ સ્કુલના ગેટ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમથી સંચાલિત થાય છે.
ત્રણ તલાક ખરડોઃ ત્રણ તલાક ખરડા પર આજે લોકસભામાં ચર્ચા થશે. ભાજપે પોતાના સાંસદોને વ્હીપ જારી કરીને હાજર રહેવા માટે કહ્યું છે. સરકાર આજે તેને લોકસભામાં પસાર કરીને આગામી સપ્તાહમાં રાજ્યસભામાં રજૂ કરવા માગે છે. સરકારને આશા છે કે આ ખરડો આ સત્રમાં રાજ્યસભામાં પસાર થઇ જશે, દરમિયાનમાં સંસદ સત્ર આવી રહ્યું હોય તો સત્ર શરૂ થયા પહેલાના 42 દિવસોની અંદર વટહુકમ દ્વારા ખરડાને બદલવાનું હોય છે.
પેટ્રોલ-ડીઝલઃ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ સરકાર એક પછી એક ભેટ આપતી જાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાના સિલસિલો છેલ્લા એક મહિનાથી ચાલુ જ છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટતા ઇંધણના ભાવમા વધુ ઘટાડો થઇ શકે છે. કેડિયા કોમોડિટીના અજય કેડિયાના અનુસાર હાલમાં ક્રૂડના ભાવ 42 ટકા ઘટીને 50 ડોલર પ્રતિ બેરલ મળે છે. એનો અર્થ એ કે દિલ્હીમાં એક લિટર પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. 63થી ઘટીને રૂ. 56 થશે. આમ ઇંધણના ભાવમાં જાન્યુઆરીમાં વધુ રૂ. 6-7નો ઘટાડો થઇ શકે છે.
માર્કેટઃ ટ્રમ્પ એડમિનીસ્ટ્રેશનના રોકાણકારોના આત્મવિશ્વાસમાં વધારો કરવાના પ્રયત્નને કારણે અમેરિકન શેરોમાં ગઇકાલે રાત્રે પાંચ ટકાનો વધારો થયો હતો અને આવા જ સેન્ટિમેન્ટ ડીસેમ્બર એફએન્ડઓ એક્સપાયરી પહેલા આજે ભારતીય રોકાણકારોમાં પણ જોવા મળી શકે છે.
ઇકોમર્સઃ લાગે છે કે ઇ-કોમર્સ દ્વારા બંમપર સેલ હવે ઇતિહાસ બની જશે કેમ કે કેન્દ્ર સરકાર ઇ કોમર્સ માંધાતા કંપનીઓ ફ્લિપકાર્ટ અને અમેઝોન માટેની શરતોને કડક કરતા બુધવારે અનેક પગલાં લીધા છે. જેમાં કંપનીઓના એવા ઉત્પાદનોનું વેચાણ કરવા પર રોક લગાવી દીધી છે, જેમાં તેમની હિસ્સેદારી હોય. વાણિજ્ય તેજ ઉદ્યોગ મંત્રાલયે ઇ કોમર્સ કંપનીઓના કોઇ ખાસ ઉત્પાદનને ફક્ત ને ફક્ત પોતાના પ્લેટફોર્મ પરથી પણ વેચાણ કરવા પર રોક લગાવી દીધી છે.
કોમોડિટીઃ વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને અમેરિકન સરકારના શટડાઉનને પગલે મંગળવારે સોનાના ભાવમાં વધારો થયો હતો. જોકે ઇક્વિટી બજારમાં રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થતા સોનામાં વધારાને મર્યાદિત બનાવ્યો હતો. 0102 જીએમટી અનુસાર હાજર સોનામાં 0.4 ટકા વધીને ઔંસદીઠ 1271.85 ડોલર થયા હતા. અગાઉના સત્રમાં સોનું ઔંસદીઠ 1279 ડોલરે પહોંચી ગયું હતું, જે 19 જૂનથી આત્યાર સુધીમાં સૌથી ઊંચા મથાળે હતું.