Quotes by Devi Thakkar in Bitesapp read free

Devi Thakkar

Devi Thakkar

@deviadhiya286gmail.com


અગણિત અપેક્ષાઓ...


માનવ મન પણ કેટલું ચંચળ છે...

સંતોષની છાયામાં રહેવું
એને ક્યારેય ગમતું જ નથી.

એક ઇચ્છા પૂર્ણ થાય,
ત્યાં બીજી અપેક્ષા આંખો ઉઘાડી દે...
અને અપેક્ષાઓનો આ અંતહીન પ્રવાસ
મનને ક્યારેય શાંત થવા દેતો નથી.

ખુદ કૃષ્ણ ગીતા દ્વારા
અપેક્ષાથી નહીં,
કર્મથી જીવવાનું શીખવી ગયા...

પણ મનને કર્મ કરતાં
ફળનો મોહ વધુ વહાલો લાગે છે.

પછી જ્યારે ધારેલું ન મળે,
ત્યારે ઈશ્વરને પ્રશ્નો પૂછાય છે...

ભૂલી જઈએ છીએ કે,
દુઃખ ઘણીવાર સંજોગોથી નહીં
પોતાની જ અપેક્ષાઓમાંથી જન્મે છે.

દિકરી ની કલમે ✍️
દેવી ઠકકર

Read More

લેખક
( ભાવના એમની જે બીજા ની ભાવના લખે છે..)


દરેક વ્યક્તિ પોતાના જીવનની એક વાર્તા જીવે છે...

કોઈ તેને મનમાં જ દફનાવી દે છે,
કોઈ આંખોમાંથી વહાવી દે છે,
કોઈ મૌનમાં છુપાવી દે છે...

અને એક લેખક...
એ જ વાર્તાને શબ્દોનું જીવન આપી દે છે.

એટલે લેખકનો અર્થ માત્ર લખવું નથી.
લેખકનો અર્થ છે...

કોઈના મનને સમજવું,
કોઈના દુઃખને શબ્દ આપવો,
ભૂલાતી પરંપરાને જીવંત રાખવી,
ઇતિહાસને સાચવવો,
અને આવનારી પેઢી માટે વિચારોનો વારસો છોડી જવો.

શબ્દો ક્યારેય જ્ઞાનનું પ્રદર્શન નથી કરતા,
શબ્દો તો અનુભવની સાક્ષી આપે છે.

જેને વાંચવાની આદત હોય,
તેને દરેક લેખમાં એક નવો વિચાર મળે છે.

અને જેને માત્ર ટીકા કરવાની આદત હોય,
તેને દરેક શબ્દમાં માત્ર ઉપદેશ જ દેખાય છે.

લેખકનો હેતુ પોતે મહાન બનવાનો નથી,
પણ શબ્દોને એટલા અર્થપૂર્ણ બનાવવાનો છે કે વર્ષો પછી પણ કોઈ તેને વાંચીને કહી શકે—
"આ શબ્દો આજે પણ એટલા જ સાચા લાગે છે."

દિકરી ની કલમે ✍️
written by Devi thakkar 🧿

Read More

શાંત હતું વાતાવરણ...
ન કાળા વાદળ, ન પવનનો કોઈ સંકેત.
અચાનક હેલી આવી ને ધોધમાર વરસી પડી...
હજી આંખો એ દૃશ્યને સાચવે એ પહેલાં જ,
આકાશ ફરી એકલું થઈ ગયું...
જાણે થોડા સમય પહેલાં
કોઈ પડછાયો અહીંથી પસાર થઈ ગયો હોય... 🌧️

દિકરી ની કલમે ✍️
Devi thakkar 🧿❤️

Read More

પ્રેમ... (કથા રૂક્ષ્મણી ના પ્રેમ ની)



પ્રેમનું નામ આવે એટલે સૌથી પહેલાં મનમાં રાધા અને કૃષ્ણનું નામ ઝળહળી ઊઠે છે. એ પ્રેમ શબ્દોથી પર છે, એટલે જ સદીઓ પછી પણ લોકો તેને ભક્તિ અને પ્રેમના સર્વોચ્ચ સ્વરૂપ તરીકે યાદ કરે છે.

પરંતુ શ્રીકૃષ્ણના જીવનમાં એક એવો પ્રેમ પણ હતો, જેના વિશે બહુ ઓછી ચર્ચા થાય છે...

એ હતો રુક્મિણીનો પ્રેમ.

રુક્મિણી વિદર્ભની રાજકુમારી હતી. તેણે શ્રીકૃષ્ણને ક્યારેય જોયા નહોતા, પરંતુ તેમના ગુણો, ન્યાય, કરુણા અને વ્યક્તિત્વ વિશે ઘણું સાંભળ્યું હતું. ધીમે ધીમે તેના મનમાં એક વિશ્વાસ જન્મ્યો કે જો જીવનસાથી પસંદ કરવાનો અવસર મળે, તો તે માત્ર શ્રીકૃષ્ણને જ પસંદ કરશે.

પરંતુ સમયને કંઈક બીજું જ મંજૂર હતું. તેના ભાઈએ રાજકીય સ્વાર્થ માટે રુક્મિણીના લગ્ન શિશુપાલ સાથે નક્કી કરી દીધા.

રુક્મિણી પાસે બે રસ્તા હતા—મૌન સ્વીકારી લેવું અથવા પોતાના જીવન માટે સાચો નિર્ણય લેવાની હિંમત કરવી.

તેણે શ્રીકૃષ્ણને એક પત્ર લખ્યો. એ પત્રમાં ફરિયાદ નહોતી, જિદ્દ નહોતી, માત્ર એક નિર્મળ વિશ્વાસ હતો.

"જો તમે મને યોગ્ય માનતા હો, તો આવીને મને સ્વીકારી લેજો."

શ્રીકૃષ્ણ આવ્યા. રુક્મિણીને પોતાની સાથે લઈ ગયા. બંનેના લગ્ન થયા.

લગ્ન પછી પણ રુક્મિણી ક્યારેય પોતાના સ્થાન માટે લડી નહીં, ક્યારેય પ્રેમ સાબિત કરવાની હોડમાં પડી નહીં. તેણે પોતાના વર્તન, ધીરજ, વિનમ્રતા અને વિશ્વાસથી જીવનભર પોતાનો પ્રેમ જીવ્યો.

કદાચ એટલા માટે રુક્મિણીનો પ્રેમ બહુ ઓછો બોલે છે...
પણ ઘણું બધું શીખવી જાય છે.

આજના સમયમાં પ્રેમ ઘણીવાર દેખાડો, અધિકાર અને અપેક્ષાઓમાં અટવાઈ જાય છે.

જ્યારે રુક્મિણી શીખવે છે કે...

સાચો પ્રેમ કોઈને બદલવાની કોશિશ નથી કરતો,
સાચો પ્રેમ યોગ્ય વ્યક્તિને ઓળખે છે,
વિશ્વાસ રાખે છે,
અને આખું જીવન એ વિશ્વાસને માન આપે છે.

પ્રેમ માત્ર કોઈને પામવાનું નામ નથી...
પ્રેમ એટલે બે આત્માઓ સાથે મળીને એકબીજાના જીવનને વધુ સુંદર બનાવવાનું નામ.

દિકરી ની કલમે ✍️
written by Devi thakkar

Read More

અસ્તિત્વની સફરે

એક હતો આરવ... અને એક હતી મીરા.

આરવ પાસે શબ્દોની કમી નહોતી... પરંતુ તેની તોટડાતી વાણી દરેક લાગણીને હોઠ સુધી આવીને અટકાવી દેતી. લોકોના હાસ્યથી બચવા તેણે ચૂપ રહેવાનું શીખી લીધું.

મીરા પણ હંમેશાં હસતી રહેતી. છતાં અરીસા સામે ઊભી રહેતી ત્યારે તેને પોતાના ચહેરા કરતાં પોતાની ખામીઓ વધુ દેખાતી.

કદાચ બંનેની વાર્તા અલગ હતી...

પણ અધૂરપ એકસરખી હતી.

એક અચાનક મુલાકાતે બંનેને સામસામે ઊભા કરી દીધા.

શરૂઆતમાં બંનેએ એકબીજાને જોયા...

અને ધીમે ધીમે પોતાની જાતને.

આરવે પહેલી વાર એવી આંખો જોઈ, જે તેના અટકતા શબ્દોથી આગળ જોઈ શકતી હતી.

અને મીરાએ પહેલી વાર એવી નજર અનુભવી, જેમાં તેના દેખાવ કરતાં તેનું અસ્તિત્વ વધુ સુંદર લાગતું હતું.

ધીમે ધીમે બંનેને સમજાયું...

ખામીઓ તેમનામાં નહોતી,
ખામી તો એ નજરોમાં હતી, જે માણસને સમજતા પહેલાં જ તેને માપી લેતી હતી.

જે દિવસે તેમણે પોતાની જાતને જેવી હતી એવી સ્વીકારી લીધી...

એ દિવસે દુનિયાની નજરનો ભાર પણ હળવો થઈ ગયો.

કારણ કે...
સાચી વ્યક્તિ આપણને બદલતી નથી,
એ આપણને પોતાની જ નજરમાં સ્વીકારતા શીખવી જાય છે.

કેટલીક મુલાકાતો પ્રેમકથા નથી બનતી...
એ અસ્તિત્વ સુધી પહોંચવાનો રસ્તો બની જાય છે. 🤍

દિકરી ની કલમે ✍️
written by Devi thakkar

Read More

hello
Jay shree krishna
હું દીકરી ની કલમે નામે લેખન કરું છું...
અને અહીં હું મારા વિચારો, શબ્દો અને મારી લેખન કલા તમારી સમક્ષ રજૂ કરી રહી છું...
આશા છે તમે મને સહયોગ આપશો🙏

Read More