Quotes by Bharatkumar in Bitesapp read free

Bharatkumar

Bharatkumar

@bk3442834gmail.com6187


*જ્યોતિરાદિત્યને કમળ ગમે છે, (કમલ)નાથ નહીં.*

જ્યોતિરાદિત્ય સિંધિયાએ છેવટે કોંગ્રેસ છોડી ને ભાજપમાં પ્રવેશ કર્યો. આશા રાખીએ કે ભાઈ હવે માનભેર લોકોની સેવા કરી શકશે. દેશની જે તનતોડ સેવા વડાપ્રધાન મોદી ને એમના ભેરુ શાહ કરી રહ્યા છે, હવે એમાં એક સેવાભાવી સજ્જન ઉમેરાશે, બીજું શું?

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પડું પડું થઈ રહી છે. હવે રોજે રોજ નવા સમીકરણો મંડાશે. ભાજપથી કંટાળીને લોકોએ કોંગ્રેસને સત્તા આપી, પણ સત્તાના લાલચુઓ એને સંભાળી નથી શકતા. વિજય મેળવ્યા કરતા વધુ કઠિન કામ એ વિજયને જાળવવાનું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ લોકોને નિરાશ કરી રહી છે. લોકો પાસે રાષ્ટ્રિય લેવલ પર બે જ વિકલ્પો હોય, એમાં એક નબળી ને અશક્ત કોંગ્રેસ જાતભવડાનો ભોગ બને, ત્યારે લોકશાહીને હાનિ પહોંચે છે. મજબૂત વિરોધપક્ષ હોવો જ જોઈએ, તો સરકાર જરાક દાબમાં રહે,.માપમાં રહે. કોંગ્રેસ વિરોધપક્ષ તરીકે તો બિનઅસરકારક રહી જ છે, સરકાર ચલાવવામાં ય અસમર્થ સાબિત થઈ રહી છે. કોંગ્રેસ બીમાર પડે, મરણતોલ બની જાય, તો મને લાગે છે કે એમાં કોંગ્રેસ કરતા ય દેશને ઝાઝું નુકશાન છે.

આ આખી ઘટનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ એ જ કર્યું કે જે આજના રાજકારણમાં ચાલી રહ્યું છે. એ આજના નિમ્ન રાજકારણની પેદાશ છે, એટલે એમના વર્તન બાબતે તો શી કાગારોળ કરવી? એ માણસ યુવા છે, શિક્ષિત છે. આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. એનામાં કશુંક હીર હતું, એટલે તો એ વ્યક્તિ કોંગ્રેસમાં હતો, મંત્રી રહી ચૂક્યો છે. હવે એ ભાજપમાં ભળ્યો, એટલે એકાએક એને બિનકાર્યદક્ષ ઘોષિત કરી દેવાનો કોઈ અર્થ નથી. આ જ વ્યક્તિને કેન્દ્રીય લેવલ પર મંત્રીપદુ ધરનાર કોંગ્રેસ હવે એવું કહે કે - જ્યોતિરાદિત્ય ગયા, તો ભલે ગયા. કોંગ્રેસમાં એમના કરતા ય વધુ પ્રતિભાશાળી કાર્યકર્તાઓ છે જ. એમને હાંસિયામાં ધકેલીને અમે જ્યોતિરાદિત્યને મંત્રી બનાવ્યા, તો આ નિવેદનમાં તો કોંગ્રેસ પોતે જ ફસાઈ જાય એમ છે. જો કોંગ્રેસની વાતમાં દમ છે, તો પ્રતિભાશાળી કાર્યકર્તાઓને પડતા મૂકીને જ્યોતિરાદિત્યને મંત્રી તરીકે પસંદ કરનાર કોંગ્રેસ ખરે જ ભૂંસાઈ જવી જોઈએ. ને જો એમ નથી, તો આખું રોકક્કળ જોઈને પેલી ખાટી દ્રાક્ષ વાળા શિયાળની વાર્તા યાદ આવે.

છેલ્લે ભાજપીઓની ખુશી. તો આ ખુશી ધૂર્ત માણસની ખુશી છે. આમાં ક્યાંયે દેશહિત નથી. થોડા સમય પહેલાના કૌભાંડી કોંગ્રેસીઓને તમે ભાજપમાં સમાવી લો, એટલે એ પવિત્ર થઈ ગયા, એવો તમારો દાવો સાવ પોકળ છે, અર્થહીન છે. તમે કોંગ્રેસમુક્ત ભારત નહીં, પણ કોંગ્રેસયુક્ત ભાજપ સર્જી રહયા છો. તમે હવે સામસામે નહીં, પણ મળીને 18 - 18 કલાક કામ કરશો. તમારી આ આકરી મહેનત દેશને મોંઘી પડવાની છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેને ન દેખાતું હોય, તેમને અંધાપો મુબારક.

વિરોધ પક્ષ કોઈ પણ હોય, એની વિકેટ આમ ખેરવાતી જાય, તો રાષ્ટ્રીય સ્તર પર 'મેં હી મેં હૂં, દૂસરા કોઈ નહીં - ની" તરજ પર ઝૂમનાર ભાજપ જ બચશે.
આ બધું જોતા સાફ દેખાય છે કે - સૌથી મોટો ખતરો લોકતંત્ર સામે ઉભો થઈ રહ્યો છે. દેશનું લોકતંત્ર બચાવીએ, એના વિશે વિચારીએ. લોકશાહીને બચાવવા માટે નાગરિક તરીકે જેટલું થઈ શકે, તે કરવું જ. દેશભક્તિનું એક લક્ષણ આ પણ છે જ.

Read More

સરકારનો રાઈના દાણા જેવો નાનામાં નાનો વાંક (દોષ) દેખાય, તો પણ એને પહાડ સમજીને ઉહાપોહ મચાવી દે એનું નામ જ નાગરિક.

નાગરિકો સરકારના ખભે માથું મૂકીને સુઈ જાય, એ વલણ ઇચ્છવાયોગ્ય નથી જ. સરકાર એક વ્યવસ્થા છે, મશીનરી છે, જેના પર આપણી નાગરિકોની બારીક નજર રહેવી જ જોઈએ. સરકાર પાસે અઢળક પૈસા છે, પોતાના વાજબી/ગેરવાજબી કામોને ખરા ઠેરવવાની કવાયતો માટે. એટલે જે લોકોએ સરકારને ચૂંટી છે, એવા નાગરિકોએ પણ
સરકારની આરતી ઉતારવાના ધંધાથી છેટા રહેવું જોઈએ.

નાગરિકો સરકારને નક્કી કરે, ત્યારે એ પોતાના વતી કામ કરનાર નોકરને પસંદ કરે છે. જેને જાહેર સેવક ગણવા જોઈએ. આ માલિક - સેવકનો સંબંધ મુદતી હોય છે. એમાં વેલીડિટી તારીખ બદલાયા કરે, તો સરકાર સખણી રહે. એવું ન થાય તો પણ નાગરિકોની ધાક તો રહેવી જ જોઈએ.

નાગરિકોએ વિરોધ મુદ્દે સક્રિય થવું, બાકી સમર્થન મામલે હૈસો હૈસો કરીને નીકળી પાડવામાં સાર નથી, કેમ કે સરકારને મત આપીને સમર્થન તો આપ્યું છે. હવે વારેઘડીએ એ મામલે સરકારતરફી જુવાળમાં જોડાઈ ન જવું જોઈએ. આપનો સેવક બરાબર કામ કરે, તો એના માટે તાળી પાડવાની જરૂર ન હોય. એણે એ જ તો કરવાનું હોય. હા, એ આડોટેડો થાય તો તરત જ એનો કાન આમળવાની ફરજ બજાવે એ જ નાગરિક લોકશાહીના ફળો ચાખી શકે. લોકશાહીમાં મતદાન કરવું એ તો પ્રથમ પગથિયું થયું, એ પછી પણ ઘણા પગથિયાં બાકી રહે છે. આટલું યાદ રહે, તો સરકાર પણ સજાગ રહે કે માલિક જાગે છે, જુએ છે.

Read More

*ઓળખ વિશે..*

બીજાઓને આપણી ઓળખ આપીએ, એ મોટેભાગે બાપ/દાદા કે પૂર્વજ કમાઈની હોય છે. આપણે ફલાણા જ્ઞાતિના કે ઢીંકણા ધર્મના કહીને મળીએ, ત્યારે વિચાર સરખો ય આવે કે આ બંને એમ જ જૈવિક અકસ્માતથી મળેલી ઓળખ છે? એની પ્રાપ્તિમાં આપણું યોગદાન તો ઝીરો જ. હા, એ સિવાય વ્યાવસાયિક કે ચારિત્ર્યસહજ ઓળખ મેળવી હોય, તો એ આપણી કમાણી કહેવાય. બાકી તો ઉછીની ઓળખ પર ગર્વ અનુભવવો - એના જેવી મુર્ખતા બીજી ભાગ્યે જ હોઈ શકે.

સંબંધ બાંધવા માટે જ્ઞાતિ જેવું નકામું પરિબળ એકેય નહીં. જ્ઞાતિ જોઈને સંબંધ બંધાય, ત્યારે તમે માણસ છો, એ વાતનો પહેલો જ છેદ ઉડી જાય છે. માની લેવાનું કે તમે ઘેટું છો, તમારે ઘેટાઓ જોડે જ બોલવાનું/ફરવાનું.

બીજું ખાસ, એ કે જે વસ્તુ બાયોલોજીકલ અકસ્માતથી મળી હોય, એના માટે ગર્વ કે લઘુતાગ્રંથિ અનુભવવી - બન્ને ટાળવાલાયક બાબતો છે. કોઈક કમઅક્કલવાળાને જ આવો નોનસેન્સ વારસો ગમે. સમજું વ્યક્તિઓએ દૂરથી નમસ્કાર કરવા જોઈએ.

આપણે પહેલા અને છેલ્લે માણસો છીએ, માત્ર માણસો. જ્ઞાતિ/ધર્મની - આપણી ઓળખની અણી કોઈને વાગે, તો એટલું માણસપણું આપણામાં ખૂટયું સમજવાનું.

Read More

વારીસ પઠાણ અને શર્જીલ ઈમામ કે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર આણિ મંડળી - ભારતીયતાને હાનિ પહોંચાડે એવો કશો પણ બકવાસ કરે, તો આપણે સૌએ મળીને એમનો જોરદાર વિરોધ કરવો જોઈએ. એ સમયે ફેસબુક કે સોશિયલ મીડિયા પર જો હું સક્રિય હોઉં તો કોઈ પણ બફાટ કે બકવાસનો વિરોધ કમસેકમ હું કરું જ. મારે જે કરવાનું છે, તે કરું જ.

પણ એનો અર્થ એ નહીં કે હું બધાને સંભળાવતો ફરું કે તમે પેલા મુદ્દા પર કેમ ન લખ્યું? તે પેલી વાત પર કેમ ચૂપ રહયા? આવા જમાદારીવલણનો કોઈ અર્થ નથી. બીજાઓએ શું કરવું જોઈએ - એના વિશે પ્રશ્નો પૂછવાની વૃત્તિ જરાક કાબૂમાં રહે, તો એનાથી આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.

મને લાગે છે કે કોઈ પણ મુસ્લિમ કે હિંદુ માણસને ન છાજે એવું કૃત્ય કે નિવેદન કરે તો એનો વિરોધ અનુક્રમે મુસ્લિમ કે હિન્દુઓએ જ કરવો એવું ન હોય. આપણા દેશમાં વસતો કોઈ પણ માણસ એ પહેલા ને છેલ્લે ભારતીય જ છે. એની ભૂલ કે વર્તનને એક ભારતીયની ભૂલ કે વર્તન તરીકે જ જોવું જોઈએ. એવા સંજોગોમાં હિંદુ ભાઈનો કાન આમળવા માટે મારું હિંદુ હોવું જરૂરી નથી. એ જ રીતે મુસ્લિમને વઢવા માટે હું મુસ્લિમ જ હોવો જોઈએ, એવો આગ્રહ (કે દુરાગ્રહ) ન હોવો જોઈએ. આવી જીદ આપણા દેશની અખંડિતતાને હાનિ પહોંચાડે છે.

જો કોઈ મુસ્લિમ તોફાન કરે, તો હિંદુ બનીને એને ધોઈ નાખવામાં આપણને આનંદ આવે કે હિન્દુઓના વાંક માટે મુસ્લિમ કડક કાજી બની જાય -આ બંને સ્થિતિ દુઃખદ છે. જાત પરના ગુમડાનો ઈલાજ રાજી થતા થતા ન થાય. એવા સંજોગોમાં આપણી સક્રિયતા વેદના જ આપે. નિશાળમાં કોઈ છોકરો તોફાન કરે, તો તોફાન માટે એનો કાન આમળવો ય પડે. પણ એમ કરતાં કાયમ વિષાદ જ અનુભવાય. જો એમાં પણ મજા આવવા લાગે, તો ચેતી જવું.

જે વ્યક્તિ શિક્ષિત હોય, સંવેદનશીલ હોય - એની જવાબદારી જાત ભણી વિશેષ હોય. બીજાનો ન્યાય કરવાના કામમાં વ્યસ્ત રહેવામાં આપણે માણસ તરીકે દિનપ્રતિદિન નીચા ઉતરતા જઈએ, એ ઠીક નહીં.

Read More