પ્રિય ટપાલ,
તારો પણ એક જમાનો હતો. સુખદુઃખનાં સંદેશાઓ આપી તુ બધાને ખુશ કે નિરાશ કરતી હતી. વાર્ષિક પરીક્ષાનાં પરિણામ માટે અમે તારી રાહ જોતાં હતાં. તારા પર પડેલું આંસુનું એક ટીપું લખનારની વ્યથા આડકતરી રીતે જણાવતું હતું. વાર તહેવારે શુભેચ્છા સંદેશાઓ તારા થકી જ મળતાં હતાં. ભલે તને આવતાં વાર લાગતી હતી, પણ રાહ જોવાની મજા હતી. હજુ પણ એ જમાનો પાછો આવે એની રાહ જોઉં છું. ભલે આંગળીનાં ટેરવે હવે સંદેશાઓ પહોંચે છે, પણ લાગણીઓ એમાં અનુભવાતી નથી. તને અમે સાચવી શકતાં હતાં. આ ડિજિટલ સંદેશાઓ તો ક્યારે ડીલીટ થઈ જાય છે ખબર પણ નથી પડતી. આશા રાખું કે તું સદાય માટે લુપ્ત ન થઈ જાય. તારું અસ્તિત્વ કાયમ માટે રહે.
સૌને આજે 'આંતરરાષ્ટ્રીય ટપાલ દિવસ'ની શુભેચ્છાઓ.💐
આંતરરાષ્ટ્રીય ટપાલ દિવસ💐
આ દિવસ ઉજવવો પડે એ જ સમજાતું નથી. આજનાં બાળકને ટપાલ કોને કહેવાય? એ સમજાવવા માટે શાળામાં પોસ્ટકાર્ડની વ્યવસ્થા કરવી પડે છે. શક્ય હોય તો દરેક જણાં વર્ષમાં એક વાર તો પોતાનાં બાળક ખાતર કોઈકને એક પત્ર લખો. ચોક્કસથી બાળક એમાંથી પ્રેરણા લઈને લખતું થશે. બાળકને સમજાશે કે મોબાઈલમાં મોકલેલ મેસેજ કરતાં પત્રમાં લખેલ લખાણની માનવમન પર અસર ચોક્કસથી વધારે થાય છે.