ગણ્યા ગણાય નહીં, વિણ્યા વિણાય નહીં, આભલામાં માય નહીં - આવું જ કંઈ નાનપણમાં બોલતા હતા રાત પડે ને ઊંચે આકાશમાં જોઈને. તારા જોવા ગમતા. ઘણા તારાઓ સાથે જોડીને આકશમાં જાણે કોઈ આકૃતિ બનાવતા અને ખુશ થતા. ત્યારે સમજ ન હતી. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ખબર પડી કે આપણે મોટા થઈએ તેમ બિંદુ જેવો નાનો દેખાતો તારો પણ મોટો થાય છે. સમય જતાં એનું તેજ વધે છે જેમ આપણને જુવાની આવે છે. અને અમુક સમયે એ જ તારા આકાશમાંથી ખરતા દેખાય છે આપણા મૃત્યુની જેમ. એ સમજતા વાર લાગી કે તારો પણ મૃત્યુ પામે છે અને આપણે એ મારી રહેલા તારા પાસે આપણી ઈચ્છાઓ માગીએ છીએ. અને એ મરી રહેલો તારો મરતી વખતે પણ આપણી માગેલી ઈચ્છાઓ પૂરી કરે છે. કોઈ પણ સ્વાર્થ વગર. ને આ જગતના કહેવાતા આપણા જેવા મનુષ્ય, ભણેલા, ગણેલા, નવી ટેકનોલોજીથી સજ્જ, શું કરીએ છીએ ? બીજા મનુષ્યની ભૂલો શોધીએ છીએ, કોઈને મદદ કરવાના બહાને એની મજબૂરીનો ફાયદો ઉઠાવીએ છીએ. ઘરતી પર પોતાનો હક સાબિત કરવા યુદ્ધો છેડાય છે. નિર્દોષ મનુષ્યો વગર કારણે જાન ગુમાવે છે. ક્યાંય કોઈએ આકાશમાં તારાઓને યુદ્ધ કરતા જોયા છે ? આ મારું આકાશ છે એમ લડતા જોયા છે ? ખૂબ સમજદાર માણસ કંઈ તો શીખ ! પોતાની જીંદગી જીવ, બીજામાં દખલ બંધ કર, ખુશીઓથી ભરેલી દુનિયાની રચના કર.
- Mir