...." સ્તર ભણતરનું "
બસ, ભારણ જ વધતું જાય છે દફતરનું.
રોજેરોજ સ્તર ઘટતું જાય છે ભણતરનું.
ગોખણપટ્ટી કરાવાથી ન આગળ વધાય,
એ મહત્ત્વ જ ભૂલાતું જાય છે ગણતરનું.
જો પાયો જ રાખી દઈએ જ્યાં કમજોર,
તો મજબૂતપણું ઢળતું જાય છે ચણતરનું.
શિક્ષણ પણ થતું ગયું એક વેપાર આજ,
ખરું મૂલ્ય જ વિસરાતું જાય છે ઘડતરનું.
મૂલ્યાંકન થતું રહે જ્યાં ગુણાંકથી "વ્યોમ"
ત્યાં એક પુષ્પ મૂરઝાતું જાય છે જીવતરનું.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.