પ્રેમગીત ( ચાહવાની રીતનું ગીત)
ચાહવું તો નદીઓની જેમ હોય ચાહવું
ભળવું , વિસ્તરવું , ન બાંધવું
મોજાં તો મસ્તીમાં આવે ને જાય
એને કાંઠા સંગાથે શાને સાંધવું ?
અળગાં થવું તો એમ અળગાં થવું
કે જેમ ફૂલમાંથી વહેતી સુગંધ હો
સામે મળે તો હોઠ મલકે
ને સપનામાં છલકે કોઇ એવો સંબંધ હો
વીત્યું જે હોય એને ભૂલી જવાનું
કદી વીત્યાંને વચ્ચે ન લાવવું
અળગાં થઇને પાછાં ઓરાં જો આવો તો
મળવાનું બને સાવ સહેલું
મલકે છે હોઠ અને છલકે છે હૈયું
યાદ આવે એ ચૂમવાનું પહેલું
જાણીતા ક્યારામાં જાણીતી માટીમાં
સહેલું પડે છે ફરી વાવવું
જીવવું તો ફૂલોની જેમ હોય જીવવું
કે ખીલવું ને હળવેથી ખરવું
ખીલવા કે ખરવાનો હોય નહીં શોર
જેમ પાંખડી પર ઝાકળનું સરવું
મ્હેકવું ને મ્હાલવું ને મસ્તીમાં ચાલવું
ને આંટો મારીને ફરી આવવું
- તુષાર શુક્લ
🙏🏻
- Umakant