જીવન જીવવા માટે જરૂરી દરેક કામ સ્ત્રી હોય કે પુરુષ બંનેને આવડવા જોઈએ, તેની તાલીમ બાળપણથી જો બન્નેને સમાન આપવામા આવે, ફલાણુ કે ઢિંકણું કામ સ્ત્રી કે પુરુષનું જ એવું સમાજ વ્યવસ્થામાં ન હોય અને બધા કામ બધાના એવી સામાજીક વ્યવસ્થા હોય તો ભારતના બહુમત લોકોનું જીવન સરળ બની જાય એમ છે.
પરિવારમાં એક જ સ્ત્રી હોય કોઈ સંજોગોવસાત અને બાકી બધા પુરુષો તો, ક્યારેક એની સ્થિતિ વિશે વિચારજો, સ્ત્રીને ક્યાંક જવાનું હોય તો, ઘરના તમામ નાના મોટા કામ કરી અને જવું પડે વળી, ગમે તેવી થાકેલી અવસ્થામાં પણ એને પાછા આવ્યા બાદ પણ ચિંતા હોય રસોડાની અને ઘરની.
તમને સ્વેચ્છાએ અપરણિત રહેલી સ્ત્રીઓ જેટલી જોવા મળશે એટલા સ્વેચ્છાએ અપરણિત રહેલા પુરુષો જોવા નહિ મળે. કેમ?? એની પાછળ મુખ્ય કારણ જ એ છે કે, પુરુષ કમાઈ શકે પણ રોજિંદા કામ કરવા માટે તૈયાર હોતો નથી, કારણ એને નાનપણથી એવું શીખવવામાં આવ્યું નથી, અને સામાજીકરણ પણ એવું થયું હોય છે કે તે એવુ કરી શકતો નથી.
એની સામે સ્ત્રી ઘરના રોજિંદા કામ તો કરી લે છે પણ જરૂર પડે તે પુરુષની જેમ કમાઈ પણ શકે છે.
વિદેશમાં ઘરના કામ સ્ત્રી પુરુષ સાથે મળીને કરે છે એટલે ત્યાં કોઈને કામ બાબત તક્લીફ પડતી નથી.
ભારતની આવી સમાજ વ્યવસ્થાના કારણે કેટલાય પુરુષો જીવનમાં હેરાન પરેશાન છે, લોકો લગ્ન જ એટલા માટે કરે છે કે, એમના ઘરનું કામ કરનાર એક સ્ત્રી આવી જાય, અને એટલે જ જ્યારે ઘર માંથી સ્ત્રીનું અવસાન થાય ત્યારે પરિવારમાં તકલીફો શરૂ થઈ જાય છે. સામે પક્ષે પુરુષના ગયા બાદ તકલીફો જરૂર પડે છે પણ, ત્યાં બન્ને જવાબદારીઓ સ્ત્રી ઉપાડી લેતી હોય છે મોટાભાગે.
ભારતના લોકોએ વિદેશ માંથી આ શીખવા જેવું ખાસ છે, કામ ને કામ જ કહેવાય, સાથે મળીને કરવામાં આવે તો, જીવન ઘણું આસાન બની જાય એમ છે.