🙏🙏આવી થોડી આફત તો આફતથી શીદને ડરીને હતાશ થવાનું,
ધુમ્મસ ભલે રહ્યું ઘનઘોર, ધીમે ધીમે પગલે આગળ વધી જવાનું
આપણી પર થોડી કોઈ 'આફત' આવે કે કંઇક 'દુઃખ' આવે છે, ત્યારે આપણે હતાશ થઈ જઈએ છે. આપણે મનોમન વિચારવા લાગીએ છીએ કે બસ મારા જ નસીબમાં આ બધું દુઃખ દર્દ લખ્યું છે. આટલી બધી આફતો ઈશ્વર તું મને જ કેમ આપે છે? વગેરે વગેરે પ્રશ્નોની હારમાળા ઈશ્વર પ્રત્યે ફરિયાદ રૂપે રજૂ કરીએ છે.
આપણે જ્યારે આવો સમય આવ્યો હોય ત્યારે એ વિચારીને ખુશ રહેવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ કે કદાચ ઈશ્વર મારી તેનાં પ્રત્યેની કેટલી 'મજબૂત શ્રધ્ધા' છે તેની પરિક્ષા લેતા હોય તો! કદાચ તે મારી 'સહનશક્તિ, સહનશીલતા અને હિંમતને' માપતા હોય તો!
આવા વિચારોને બસ ફક્ત એક હકારાત્મક દ્રષ્ટિકોણ થી જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે તેનો ચોક્કસ માર્ગ દેખાશે. આપણી ઈશ્વર પ્રત્યેની જે આસ્થા છે, તેમાં પણ આપોઆપ વધારો થશે અને આવેલી આફતો કે દુઃખ સામે લડવાનું સામર્થ્ય આ વિચારોમાંથી જ મળશે, માટે જ કહેવાયું છે કે,
આવેલ આફતો થી નિરાશ શું કામ જાતે જ આપણે થવાનું?
જીવવા માટે જ નહીં જીતવા માટે પણ જાતે જ લડવાનું!
આપણી પર આવી પડેલું દુઃખ આપણે મોટું લાગતું હોય છે.તે હોય પણ શકે છે, તેની ના પણ નથી,પરંતુ ક્યાં સુધી? જ્યાં સુધી આપણે કોઈ અન્ય વ્યકિતનું દુઃખ દર્દને જાણતા હોતા નથી કે તેને મહેસૂસ કર્યું નથી હોતું ત્યાં સુધી. જેવું આપણે તેમનું દુઃખ જાણીએ કે કોઈનું દુઃખ સાંભળીએ છીએ ત્યારે આપણે આપણું દુઃખ નાનું લાગશે અને નહીં લાગે તો પણ મનમાં થોડી રાહત થશે.
કેમ કે આપણી પાસે કદાચ બૂટ કે ચંપલ નથી, તેનું દુઃખ ખટકી રહ્યું હોય છે ત્યારે આપણે કોઈ વ્યક્તિને એક પગ વિનાનો જોઈએ ત્યારે આપણે આપણું દુઃખ આપોઆપ ખુબજ નાનું લાગવા લાગશે.
તે એક પગ વાળી વ્યકિતને તેનું દુઃખ મોટું લાગતું હશે પરંતુ જ્યારે તે વ્યક્તિ બે પગ વિનાની કોઈ વ્યક્તિને જોશે કે મળશે ત્યારે તેનું દુઃખ ભુલી જશે અને ઈશ્વરનો આભાર માનશે કે મને આવું દુઃખ તો આપ્યું જ નથી.
એટલાં માટે જ કહેવાયું છે કે જ્યારે આપણે આપણા દુઃખથી નિરાશ થઈ જઇએ કે બધી જ રીતે નાસીપાસ થઈ જઈએ, ત્યારે આપણે કોઈ આપણાથી વધું દુઃખી વ્યકિતને મળી લેવાનું કે તેને જોઈ લેવાનું, તેના દુઃખ કરતા મારું દુઃખ કંઈ જ નથી એવો એક હકારાત્મક સંદેશ લઈને આવેલ આફત કે દુઃખ સામે લડતા શીખવું જોઈએ.
જો આ રીતે આપણે જીવન જીવવાનો પ્રયત્ન કર્યો તો દુનિયાની કોઈ તાકાત આપણે હરાવી નહીં શકે બસ આપણે એટલું યાદ રાખવાનું કે આવેલ આફત કે સંકટ સામે લડીને હણાઇ જવાનું પણ પહેલાથી નહીં, કેમકે, લડીને હણાયા તો ઈતિહાસ લડવૈયા તરીકે યાદ કરશે અને પહેલા થી જ હારી ગયા અને હથિયાર હેઠાં મુક્યાં તો ઈતિહાસ કાયર તરીકે નામોશી આપશે.
હતાશા થી શું 'હતાશ' થવાનું હતાશાને ખુદ 'હતાશ' કરવાની,
હિમાલય ભલે રહ્યો 'વિશાળ' બસ આપણા 'પગ' પર 'વિશ્વાસ' કરવાનો.🦚🦚