“અબોલા લઈને બેઠા છે…”
અબોલા લઈને બેઠા છે પરસ્પર બોલવા લાગે,
મિલન મજલિસો જામે ને બે ઘર બોલવા લાગે.
સવાકો થાય અવાકો દેહ નશ્વર બોલવા લાગે,
તમે બોલો તો સાથો સાથ પથ્થર બોલવા લાગે.
તમારા રૂપની ચર્ચા શરૂ થઈ જાય તો ચોક્કસ,
ધરા બોલે, ગગન બોલે, ને સાગર બોલવા લાગે.
ગયું છે બાગમાં કોણ અશ્રુભીની આંખો લઈ,
મળે વાચા તો ફૂલો ડાળ ઉપર બોલવા લાગે.
કુવો જાગી ઉઠે પાણીનું હૈયુ થનગની ઉઠે,
પરોઢે જ્યારે પણિહારીના ઝાંઝર બોલવા લાગે.
મિલનની વેળાની મસ્તી જીભ પર આવી નથી શકતી,
નવોઢા ચુપ રહે ફૂલોની ચાદર બોલવા લાગે.
નજર પાસે જો સમૃદ્ધિની મૂડી હોય તો મિત્રો,
ઈમારત કેટલી સધ્ધર છે ચણતર બોલવા લાગે.
સમજદારી વધે તો બોલવાની ટેવ છૂટે છે,
ખૂલે ના જીભ જેની એનું અંતર બોલવા લાગે.
‘અઝીઝે’ ક્યાં હજી બારાખડી પણ સાચી સીખી છે,
સભા વચ્ચે ભલા ક્યાંથી બરાબર બોલવા લાગે?
સૌજન્ય:-WhatsApp 🙏
- Umakant