શીર્ષક : રહેવા દે...
-------------
નથી જે શોભતાં એવા, તું કરવા કામ રહેવા દે.
અહીં કરવાનાં બીજાને, હવે બદનામ રહેવા દે.
રહી છે કોઈની ક્યાં કાયમી જગમાં હકૂમત તો,
કરી બે ચાર સારા કામ જગતમાં નામ રહેવા દે!
મળે ના સ્વર્ગમાં આવી, કદી મિત્રો ને મહેફિલો,
મરણને બાદ પણ સાકી, તું હોઠે જામ રહેવા દે.
અમે જાહોજલાલી જોઈ છે એકાંતની દિલમાં,
હવે ટોળામાં નહીં ફાવે, જરા ગુમનામ રહેવા દે.
કદી થાશે નહીં પૂરી સફર આ રીતથી તારી,
સરળ આ જિંદગીની રાહમાં આરામ રહેવા દે.
ઉપાડી પોટલાં ઈચ્છાનાં ભટક્યો દરબદર છું હું,
હવે દિલનાં નગર તારે ઠરીને ઠામ રહેવા દે.
કર્યાં મજબૂર ના તમને, મિલન કારણ છતાં અંતે,
મળે જ્યાં યાદ થઈ તું, એક એવી શામ રહેવા દે.
~દિલીપ ધોળકિયા "શ્યામ"
જૂનાગઢ
#highlightseveryonefollowers
- Umakant