નાગરોની બેઠા ગરબાની પરંપરા, સૌંદર્ય અને મુત્સદ્દીગીરી! બધી જ્ઞાતિઓમાં પોતાને બે વેંત ઊંચી ગણાવતી જ્ઞાતિ એટલે નાગર. બધા કરતાં કંઈક જુદું કરી દેખાડવું એવી પડકારજનક વૃત્તિ પણ નાગરો માં ખરી એટલે આમ જનતા મેદાનમાં જઈને ગોળ ગોળ ગરબે ઘુમે ત્યારે નાગરો ઘરે બેઠા ગરબાનું આયોજન કરે. નાગરોનો મોટો વર્ગ મા અંબાની આરાધના કરે છે. શૈવ સંપ્રદાયમાં માતાજી નું મહત્ત્વ ખૂબ વધારે છે કારણ કે પાર્વતી પોતે જ શક્તિ સ્વરૂપા છે અને નાગરોમાં સ્ત્રી- શક્તિના આધિપત્ય થી કોણ અજાણ છે? જોકે, નાગર સ્ત્રીનું સન્માન પણ સમાજમાં એટલું જ હોય છે. અંબાજીની યાત્રા નાગરો દ્વારા અવાર નવાર થતી હોય છે. નવરાત્રિના નવ દિવસ નાગરોના ઘરે બેઠા ગરબાનું આયોજન થાય. વિલેપાર્લે-સાંતાક્રુઝ એ નાગરોનું હબ ગણાય. (એક આડવાત, શુદ્ધ ગુજરાતી બોલતા કેટલાક નાગરોને સાંતાક્રુઝનો ઉચ્ચાર શાંતાક્રુઝ કરતા અમે સાંભળ્યા છે, આવું સંભવે કદી?) આમ તો, વિલેપાર્લે, સાંતાક્રુઝ અને ખાર એ ત્રણે પરાંમાં જાજર માન નાગરોનો નિવાસ. છ હજાર થી વધુ ગીતોનું સર્જન કરનાર અવિનાશ વ્યાસ, હંસા મહેતા, ર.વ. દેસાઈ, અક્ષય-નીરા દેસાઈ, રામપ્રસાદ બક્ષી, ગરબામાં માહેર વીણા મહેતા, નિનુ મઝુમદાર, વિનાયક વોરા, દિલીપ ધોળકિયા, ક્ષેમુ દીવેટિયા, ડૉ. અજય હોરા, સુષમા દીવેટિયા, કૌમુદી મુનશી, આશિત-હેમા દેસાઈ, ઉદય મઝુમદાર, રાજુલ મહેતા, કલ્લોલિની હઝરત,રૂપા દીવેટિયા, અપરા મહેતા, વંદના દેસાઈ, દીપક મહેતા એ સૌ આ પરાંના જાણીતા નાગરો. સુંદર કંઠ, શુદ્ધ ઉચ્ચારો, શિષ્ટ ભાષા, વિનય- વિવેક અને મીઠી જબાન સાથે ગરબા-ગરબી અને બેઠા ગરબા માં પણ નાગરો નું વિશેષ પ્રદાન. માતૃપક્ષે અમે નાગર હોવાથી બચપણ થી આ બેઠા ગરબાની પરંપરા જોતાં આવ્યાં છીએ પરંતુ, ગરબે ઘુમવાને બદલે ઘરે બેસી ને ગરબા ગાવાની પ્રણાલિ કેવી રીતે અને ક્યારે શરૂ થઈ એ વિશે નાગર લેખિકા સોનલ શુક્લ એ એક તાર્કિક વાત કહી. તેમણે જણાવ્યું કે, "પહેલાં તો ગરબા માત્ર સ્ત્રીઓ જ ગાતી,ગવડાવતી અને ગરબે ઘુમતી. પરંતુ, ૧૯૬૦- ૭૦ના દાયકામાં માતાજીના ગરબા સાથે સખી- સાહેલીના તથા મારી વેણીમાં ચાર ચાર ફૂલ, લાલ દરવાજે તંબૂ તાણિયા જેવા ગરબા શરૂ થયા અને એ પછી દાંડિયા રાસ નો આરંભ થયો.રાસ શરૂ થતાં એમાં પુરુષો જોડાવા લાગ્યા. એ પછી તો માતાજીના ગરબા ‘યુથ ફેસ્ટિવલ‘ બની ગયા. ગરબાનું વ્યાપારીકરણ થયું. ડિસ્કો દાંડિયા, ભાંગડા, ઈન્ડિ પૉપ અને રૅપ બધુંય શરૂ થઈ ગયું ગરબાને નામે. ગાયકો કોન્ટ્રેક્ટ પર ગાવા લાગ્યા જેમાં માતાજીના ગરબા ભૂલાતા ગયા. હવે તો આપણા પારંપારિક દેશી ગરબા પણ ઓછા સંભળાય છે. હિન્દી ફિલ્મી ગીતો અને ડીજેની ધમાલ સાથે ગવાતાં ગીતોમાં માતાજીના ખોવાયેલા ગરબાને જીવંત રાખવા નાગર બહેનોએ બપોરે ભેગાં મળીને ભક્તિરૂપ ગરબાની પરંપરા શરૂ કરી જે આજ સુધી ચાલુ છે. હવે તો અન્યોએ પણ એ શરૂ કરી છે. એ જમાનામાં ગરબા ગવડાવવામાં નાગરાણીઓ અગ્રેસર હતી. અત્યંત સૂરીલા- મીઠા લહેકા સાથે ગવાતા ગરબા સાચી નવરાત્રિ હતી.નવરાત્રિના વ્યાપારીકરણમાં હજારોના ક્રાઉડમાં આ મીઠા અને શાસ્ત્રીય સ્પર્શ ધરાવતા ગરબા આજે હવે કોને સાંભળવા હોય?તેથી નાગરોનું હબ કહેવાતા વિલેપાર્લે ની નાગર બહેનોએ સૌ પ્રથમ નાગર મંડળની સ્થાપના કરી. સુલેખા બક્ષીએ લગભગ ત્રીસેક વર્ષ ચલાવ્યા પછી અત્યારે પ્રો. રાજશ્રીબહેન વિલેપાર્લે નાગર મંડળનાં સૂત્રધાર છે. આ મંડળ દ્વારા જ ઘરે ભેગાં મળીને ગરબા ગાવા ની પરંપરાનો આરંભ થયો હતો. બાકી,ઘુમવા માટે તો મેદાનો છે જ ને!
વાત તો સાચી છે. તમે નાગરો ના પરિચયમાં હશો તો તમને ચોક્કસ આ બેઠા ગરબાની ખબર હશે. વિલેપાર્લેથી શરૂ થયેલી આ બેઠા ગરબાની પ્રણાલિકા પછી તો મુંબઈ ના અન્ય પરાંમાં પણ વિસ્તરી. કાંદિવલી મહાવીર નગર માં રહેતાં નાગર મંડળનાં સેક્રેટરી નેહા યાજ્ઞિક અને તેમનાં મા હરિ પ્રિયાબહેન પણ દર વર્ષે બેઠા ગરબાનું આયોજન કરે છે. તેઓ કહે છે કે કાંદિવલીમાં પણ હવે ઘણા નાગરો વસે છે તેથી ચારકોપ સુધી બેઠા ગરબા નો વ્યાપ વિસ્તર્યો છે. નાગર કુટુંબનાં કેતકી મહેતાને ત્યાં યોજાયેલા બેઠા ગરબામાં સચિન તેંડુલકરનાં ગુજરાતી પત્ની અંજલિએ હાજરી આપી હોવાનું સોનલ શુકલએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અંજલિ તેંડુલકરનું પણ નાગર કનેક્શન છે. અંજલિનાં દાદી અમરુબહેન તે કલ્ચરલ એક્ટિવિસ્ટ-લેખિકા તથા ઈંદિરા ગાંધી સાથે ઘરોબો ધરાવતાં પુપુલ જયકર અને જે. કૃષ્ણમૂર્તિનાં અનુગામી નંદિની મહેતાનાં બહેન. આ ત્રણે બહેનો કોનાં દૌહિત્રીઓ જાણો છો? ગુજરાતી ભાષાની પહેલવહેલી નવલકથા ‘કરણઘેલો’ લખનાર નંદશંકર તુળજાશંકર મહેતાની. અમરુબહેનની પૌત્રી અંજલિ, એટલે અંજલિ તેંડુલકરનું આ નાગર કનેક્શન થયું કહેવાય ને! થેન્ક યુ સોનલબહેન, આ રસપ્રદ માહિતી વહેંચવા બદલ.
નાગરોની જ વાત નીકળી છે તો ગુજરાતની પહેલવહેલી ગ્રેજ્યુએટ મહિલા પણ નાગર બહેનો હતી, જેમનાં નામ છે વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા. ૧૯૦૧ની સાલમાં આ બન્ને બહેનોએ સ્નાતકની ડીગ્રી મેળવી હતી. વિનોદીની યાજ્ઞિક નામની નાગર મહિલાએ વીસમી સદીના આરંભમાં વિદેશમાં જઈને શિક્ષણ લીધું હતું. આદ્યકવિ નરસિંહ મહેતા અને દયારામ નાગર. તાનસેનને શિકસ્ત આપનાર મહાન બૈજુ બાવરો ચાંપાનેરનો નાગર બૈજનાથ અને તાનસેનના દીપક રાગની આગને ઠંડી પાડનાર તાનારીરી બહેનો વડનગરની નાગર ક્ધયાઓ હતી. ગુજરાતી સાહિત્યના પંડિત યુગ ના ઘણાખરા સિતારાઓ નાગર. નવલકથાના ક્ષેત્રમાં પ્રથમ કૃતિ ‘કરણઘેલો’ એ સૂરતના નાગર નંદશંકરે લખી હતી એ તો ઉપર જણાવ્યું જ પણ નવલકથાના પિતામહ અને સરસ્વતીચંદ્રના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી નડિયાદના નાગર. આધુનિક ગુજરાતી નવલકથાના જન્મદાતા રમણલાલ વસંતલાલ દેસાઈ. રમણલાલ મહિપતરામ નીલકંઠ ગુજરાતી ની પ્રથમ સંપૂર્ણ હાસ્ય નવલ કથા ભદ્રંભદ્ર લાવ્યા તથા હાસ્ય સમ્રાટો ગગનવિહારી મહેતા, જ્યોતીન્દ્ર દવે, મસ્તફકીર, બકુલ ત્રિપાઠી પણ નાગર બચ્ચાઓ. ડાયનેમિક લીડર ઈન્દુલાલ યાજ્ઞિક, ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હિતેન્દ્ર દેસાઈ, રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા જયસુખલાલ હાથી અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આધુનિકોમાં એક વીરપુરુષ નાગરોએ જ પેદા કર્યો એ હતા વીર નર્મદ!
સંસ્કૃતપ્રચૂર નામો પાડવામાં પણ નાગરોને કોઈ પહોંચે નહીં.અમારા કુટુંબની જ વાત કરીએ તો મા, માશી, મામીઓનાં નામો ની આ ઊંચાઈ જુઓ. રાસેશ્ર્વરી, મંદાકિની, અવનિ, પલ્લવી, દ્રૌપદી, સત્યભામા, ઉલૂપી, નિહારિકા, મનોરમા, અલકનંદા, તિલોત્તમા, પ્રિયંવદા, દેવસ્મિતા, વિનયસ્મિતા, સલિલા, લીના, શ્રુતિ, વ્યોમલતા, ચંદ્રાનના, વિશાખા, તારિણી, સોહિણી, રોહિણી, કાદંબરી! આ બધાં નામ પણ પાછાં ૬૦ થી ૯૦ વર્ષની નાગરાણીઓનાં. સાંભળવાની હામ છે હજુ? વેલ, ચંદ્રકાન્ત બક્ષીએ એમના પુસ્તક ‘મહાજાતિ ગુજરાતી’માં જુદી જુદી જાતિ ઓનાં જે વર્ણન કર્યાં છે એમાં નાગરોનું વર્ણન વાંચવા જેવું છે. એનાથી જ સમાપન કરીએ.
"જો કોઈ લીલાશ પડતા બદામી રંગની આંખોવાળી અને ઓલિવ જેવી ખુલતી ચામડીવાળી, સંસ્કૃત નામધારી છોકરી તમને પૂછે કે, ‘તમે નાગર છો’ તો બહુ વિચાર કર્યા વિના હા પાડી દેજો. નાગરને માટે નાગર કરતાં મધુર શબ્દ બીજો એકે નથી. મુત્સદ્દી ગીરી નાગરોની જાણે હૉબી. પંચાવન વર્ષની મહિલાનું નામ પલ્લવી કે પૌલોમી હોય, કાશી બાઈ કે નાથીબાઈ નહીં. આટલાં આધુનિક નામો કાયસ્થો સિવાય ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળે. અન્ય જાતિના કુરિવાજો પણ નાગરોમાં ઓછા. હીંચકો ઝૂલતો હોય, પાસે પાયદાન હોય એ દૃશ્ય આજે પણ જોવા મળે. નાગર જીવનનું ગુરુત્વમધ્યબિંદુ હીંચકામાંથી પસાર થાય છે. ઉચ્ચાર એમના જેટલા શુદ્ધ કોઈના નહીં અને સંસ્કાર નાગર જેવા ક્યાંય નહીં. ગૌરવર્ણ, ચાલવાની છટા, સંસ્કૃત પ્રચૂર ભાષા, ગુજરાતી પણ શુદ્ધ- સ્વચ્છ બોલે-નાક ઊંચું રાખીને બોલતા હોય એવું લાગે. નાગરો માં શિક્ષણ સો ટકા છે. પરિવાર માં સ્ત્રીનું આધિપત્ય ઘણું. લગ્નમાં સોના માટેનો કોઈ આગ્રહ નહીં. કંકુ અને ક્ધયાનો જ રિવાજ. નાગરાણીઓ એમના કાતિલ સૌંદર્ય માટે નામચીન.નાગરો પાંચ ‘પ’ માટે પ્રસિદ્ધ.પાટિયું(હીંચકો), પાટલો, પીતાંબર (પીળા સિલ્કની ધોતી), પારણું અને પાન. નાગરો ના ચાતુર્ય, મુત્સદ્દીગીરી અને ઘણા ગુણો એમના રિવાજો માં પણ ઊતરી આવ્યા છે.
છે ને ઈન્ટરેસ્ટિંગ નાગરો, તેમના ગરબા અને તેમના ગુણોની ગરવી ગાથા!નાગરોની બેઠા ગરબાની પરંપરા, કાતિલ સૌંદર્ય અને મુત્સદ્દીગીરી! -નંદિની ત્રિવેદી મુંબઈ સમાચાર (૨૦૧૯)
સૌજન્યઃ- રત્નાકર મહેતા
🙏🏻
- Umakant