હાલ જયપુર ખાતે એક યજ્ઞમાં હાજરી આપી. એક સિનિયર મિત્રે કહેલું કે યજ્ઞ પછી ભોજન શેનું હતું? હા, તો યજ્ઞ સવારે 10.30 થી સાંજે 6 સુધી હતો. વચ્ચે સાદો ફરાળ. પછી આરતી બાદ સાંજે જમવામાં રાજસ્થાનની સ્પેશિયાલિટી દાલબાટી ચૂરમું.
દાલબાટી પણ અનેક જાતની હોય છે. અહીં ત્રણ જાતની હતી. ઘી માં શેકેલી સાદી, માવાવાળી ગળી, મસાલેદાર (અંદર તજ લવિંગ વગેરે પણ હતું અને સરસ સહેજ તીખો માવો.) ઉપરનું પડ બધામાં કડક, ઘી માં તળેલું.
ચુરમું પણ ત્રણેક જાતનું. બેસન ચુરમુ, આપણું ચૂરમા લાડુ વાળું અને અન્ય એક. એમાં ગોળ તો હશે જ, સાકરના ટુકડા અને સાકરનો ચૂરો ભેળવેલું.
બાટી આપણે ઈડલીને ટુકડા કરી સાંબારમાં બોળીએ એમ ટુકડાઓ દાળ અથવા મસાલેદાર કઢી, લગભગ આપણી સરગવા સાથેની કઢી જેવા સ્વાદની હોય એમાં બોળવાના. દાળ પણ લગભગ ગુજરાતી લગ્ન પ્રસંગોમાં હોય એવી મસાલેદાર. સાથે મરચાંના નાના ટુકડાઓ ખાટા ગળ્યા રસમાં. લસણની ચટણી પણ મહેમાનો દાળમાં નાખતા હતા.
ટેસ્ટી રાજસ્થાની જમણ. તમે ઢાબાઓમાં ખાધું હોય કે ખૂબ મોંઘી અમદાવાદની રેસ્ટોરાંમાં ખાધું હોય એ કરતાં સાવ અલગ સ્વાદ .
યજ્ઞના યજમાને કહ્યું એમ અહીં ઢોકળાં ખમણ જેવું આ લોકોને બનાવતાં ન ફાવે, ત્યાં આપણી વાનગીઓ.
અમે તો બંદા ઝબોળ ઝબોળ કર ખાય કરીને માણ્યું.
અહીંની સામાન્ય રસમ મુજબ બુફે ન હતું. સસ્મિત થોડો આગ્રહ કરી કેટરરના માણસો પરીસતા હતા. બે લાઇન ટેબલો અને ખુરશીઓની. લોકો આવતા જાય અને બેસતા જાય. એ લોકો ઊભા થાય ત્યાં બીજાં વેઇટ કરતાં કુટુંબ આવીને બેસી જાય.
અહીં રાજસ્થાનમાં આપણા નમસ્તે ને બદલે બધાને પગ સ્પર્શ કરી પ્રણામ કરવાનો રિવાજ છે.