ઈર્ષા
“આજે ઈર્ષા તો માણસના તાણેવાણે વણાઈ ગઈ છે. ડગલે ને પગલે માણસ ઈર્ષાના પ્રાંગણમાં રમે છે. માનવને પોતાની આગળ હોય કે બરોબરીયા હોય તેમની ઈર્ષા જાગે છે. આપણે સત્તા, મત્તા કે માનુનિને ઝંખતા હોઈએ તે આપણને ન મળતાં અન્ય કોઈને મળી જાય તો એના પ્રત્યે ઈર્ષાનું વહેણ વહેતું થાય છે પણ આ ઈર્ષા તો કાતીલ ઝેર છે. જે માનવના પ્રેમ, સ્નેહ, ભાઈચારા જેવા અનેકવિધ ગુણોનો મૃત્યુઘંટ વગાડી દે છે. ઈર્ષાળુ માનવથી સગા-સંબંધી દૂર ભાગે છે. મિત્રો સાથ છોડી દે છે ત્યારે એ એકલો પડી જાય છે. એકલતાથી રીબાય છે એટલે ઈર્ષામાં વધારો જ થાય છે. સૂર્યોદયથી અંધાર હટે એ સાચી વાત છે પણ ઈર્ષાથી પ્રેમ હટી જાય એ નરસી વાત છે.
ઈર્ષા એ મનનો વિકાર છે. મનનો અસાધ્ય એવો મહારોગ છે. ઈર્ષાનો કીડો મનમાં સળવળે ત્યારે મનમાં અશાંતિનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. ઈર્ષાના કારણે માનવ આદર નહીં પણ અનાદર પામે છે. એ પ્રગતિ સાધી શકતો નથી પણ પતન જરૂર થાય છે.
રામાયણની મંથરા, મહાભારતનો દુર્યોધન અને દુઃશાસન એ ઈર્ષાના નમુના છે. ઈર્ષા એ સુગર કોટેડ ઝેર છે. જે કરતી વેળા મીઠી લાગે છે પણ પછી સમજાય છે કે એ કાતીલ ઝેર માનવની માનવતા પ્રેમ, સ્નેહ, સમભાવ જેવા ગુણોને મારી રાખમાં ભેળવી દે છે. ખુબીની વાત તો એ છે કે માણસ એ ઝેરનું પ્રેમથી પયપાન કરે છે જેના લીધે કર્મો બંધાય છે એટલે આપણે મુક્તિથી દૂર થઈ જઈએ છીએ.
કાંટાથી શરીરમાં ઉઝરડા થાય, લોહી ટપકે પણ થોડા સમયમાં રૂઝાઈ જાય પણ ઈર્ષાની શૂળો લાગે તો દિલમાં એવા ઉઝરડા પડે કે જન્મારામાં ન રૂઝે. ઈર્ષા એ સ્વ-પરને દુઃખી કરનારો કાંટેરી વગડો છે”
સૌજન્ય - વોટ્સએપ
🙏🏻