થોડા વખત પહેલાં પ્રારંભ સ્માર્ટ સીટીની મુલાકાત લીધી.
આપણે માનીએ કે 60+ લોકો દુઃખી જ હોય, એમનાં બાળકો એમને ઉપેક્ષિત કે હડધૂત જ કરતાં હોય ને વૃદ્ધાશ્રમમાં દુઃખી થઈ રહેતા હોય.
કાલે જ્યાં ગયો ત્યાં બધા 60+ લોકોને જ ડિપોઝિટ કે વિલા ખરીદવા મળે. આશરે 300 વિલાઓનું ક્લસ્ટર છે. 2bhk કે 1bhk વીલાઓ.
ઘરની બહાર સરસ નાની લોન, બેય બાજુ ઉગાડેલા લીમડા, ગુલમહોર, બદામડી જેવાં વૃક્ષો, ઘરમાં જવા વ્હીલચેર માટે રેમ્પ અને નાનાં પગથિયાં બેય.
ચારે બાજુથી કવર એરિયા.ઊંચી દીવાલો પર તારનાં ગૂંચળાઓ અને એન્ટ્રન્સગેટ પર સિક્યોરિટી.
અંદર સરસ કેન્ટિન જ્યાં ચા,કોફી અને તદ્દન ઘરેલુ જમવાનું મળે. મેં 30 માણસોની બેસવાની વ્યવસ્થા જોઈ. બહાર સરસ તળાવ જેમાં કમળક્યારો અને અંદર બતકો તરતાં હતાં.
સરસ ક્લબ હાઉસ જ્યાં અઠવાડિયે બે ફિલ્મ બતાવે છે, હાઉસી, અંતાક્ષરી, ભજનો વગેરે પ્રોગ્રામ થાય છે. ત્યાં કસરતનાં સાધનો અને ડેઇલી છાપાં પણ જોયાં.
ક્લબમાં જ એક ક્લિનિક જ્યાં વિકમાં બે દિવસ ડોકટર આવે છે અને પેરામેડિકલ સ્ટાફ 24 કલાક હોય છે. રોજ તે રહેવાસીઓનું બીપી અને ઑક્સિજન માપી જાય છે.
મેઇડ વગેરે તેમણે એરેન્જ કરેલ હોય છે જે કલાકના રેટ પર દરરોજ આવે છે. તમે જે કામ કરાવો તે.
શાકભાજી ફ્રૂટ વગેરે માટે વિકમાં બે દિવસ વાન આવે છે એ ગેટ પર જ ઉભે, વિલા વાળાઓએ થેલા ઊંચકી ગોલ્ફકાર્ટમાં કે ચાલીને જવું પડે જે NRI રહેવાસીઓને સામાન્ય લાગે છે, લોકલોને નથી ફાવતું.
એક દવાવાળો દવાઓ સાથે કહો તે ગ્રોસરી વગેરે પણ લઈ આવે છે.
રહેવાસીઓ મેં કહ્યું તેમ અત્યારે 60 થી 65 આસપાસના. અમુક 80 ઉપર છે. કોઈ વિધુર કે વિધવા કે અપરિણીત તો કોઈનાં સંતાન ઓસ્ટ્રેલિયા કે અમેરિકામાં ખૂબ દૂર હોય એટલે જાતે મોટાં શહેરમાંથી આવી અહીં આ નાની વિલામાં રહે છે. બધા જ ખૂબ શિક્ષિત અને હમણાં નવા હોઈ પરસ્પર જલ્દી ભળી જતા, મદદગાર.
અંદર એક સરસ મંદિર પણ છે જેમાં મોટું શિવલિંગ, રાધાકૃષ્ણ, રામ, સીતા, લક્ષ્મણની મૂર્તિઓ છે. બેસવા ઠીક મોટી જગ્યા છે.
બધું સરસ હોય તો કિંમત તો હોય ને! અત્યારે 4000 મહિને મેન્ટનન્સ છે. દર વર્ષે વધે.
ઘણા લોકો સસ્તામાં વિલા મળે છે કરી આવી ગયા પણ પછી મેન્ટનન્સ અને બીજા ખર્ચા પોષાય નહીં એટલે આવી રહ્યા છે પણ જેઓ દુનિયા પાછળ મૂકી હવે ફક્ત મઝાથી, અલિપ્ત રહેવા માગે છે તેઓ ખૂબ ખુશ છે. કોઈ તો U.S. 50 વર્ષ રહી આવ્યું છે તો કોઈ મુંબઈમાં ધીકતો ધંધો વેંચીને.
એટલે આ ગાર્ડન, લોન, બતકો, ગઝેબો, વૃક્ષો , ફિલ્મો બધું આપણી ઉપર. રહેવાનું એક 3સીટર સોફા એક 1સીટર ને સાઈડ કોર્નર મૂકો એટલે ડ્રોઈંગરૂમ પૂરો. 8 બાય આઠ હશે. કિચન પણ ગેસસ્ટવ મૂકો એટલે બેય બાજુ બે બે ફૂટ રહે. બેડરૂમમાં વોર્ડરોબ વોલ ટુ વોલ અને ડબલબેડ. રૂમ સાઈઝ મુંબઈના લોકો ટેવાએલા હોય એવી. હા. આગળ પોર્ચ, ઓટલો વગેરે ખરું.
જેને ઘેર ગયેલો તે તો આ નવી દુનિયાથી ખુશ છે. બહારની જગ્યા મોટી આપી શો કર્યો છે, તમને બેર મીનીમમ રહેવા આપ્યું છે. આ જગ્યાએ બાવળાથી 6 કિમી અંદર ઢેઢાલ ગામ ક્રોસ કરી જવાનું છે. એ ગામમાં રસ્તો ગાય,ભેંસથી ભરેલો, કાચો, સાંકડો છે. પછી બાવળા આવતાં અમદાવાદ ક્યાં આવી ગયું તે ખબર ન પડી.
ઘણાને પ્રારંભ વિશે જાણવું હતું તે મેં જે જોયું તે બધી વિગતો મૂકી.
ફોટાલિંક નીચે મુકું છું.
https://photos.app.goo.gl/3NkcJr6iPQsJopUS9