ધર્મ કે પ્રેમધર્મ ?
“સેક્સને અશ્લીલ ગણનારો માણસ પોતાની માતાને સુક્ષ્મ તમાચો મારતો હોય છે.
માતૃત્વ ગણિકાનું હોય તોય પવિત્ર છે. ‘અપવિત્ર માતૃત્વ ‘ વદતોવ્યાઘાત છે.સત્ય-
કામના પિતા કોણ તેની ખબર એની માતાને નહોતી. ગુરુએ એ સાચાબોલા શિષ્યને
સ્વીકાર્યો.ઉકરડાની ધાર પર ઉગેલા આંબાની કેરીમાં ઉકરડાની દુર્ગંધ નથી હોતી.
જીવનમંદિરના ગભારામાં પ્રસરેલી ધૂપસુગંધનું નામ પ્રેમ છે.
અર્જુન જીવનનો શિષ્ય હતો, દુર્યોધન મૃત્યુનો શિષ્ય હતો.મહાભારતમાં અંતે
જીવનવૃત્તિનો વિજય થાય છે.પ્રેમ તો માનવતાતની મથામણની એવી ધજા છે, જે
અસ્તિત્વના એવરેસ્ટની ટોચ પર ફરકી રહી છે. શિખરની ટોચ પર પહોંચવા માટે
તળેટીમાંથી પસાર થવું જ પડે છે.સેક્સને અતિક્રમી જવા માટે પણ એમાંથી પસાર
થવું પડે છે. પ્રેમ અને આનંદ પામવાની મૂળભૂત માનવીય ઝંખનાનો આદર કરે એવો
જ ધર્મ હવે ટકી શકશે. આવો આદર કરનારા યુગપુરુષ કૃષ્ણ હતા.”
….. ટહુકો ગુણવંત શાહ. જુલાઇ 31 2015