રાજ!, હવે હેલી વરસે કે પછી વરસે રે ફોરાં,
આપણે તો ચોમાસે, ચોમાસે કોરાં.
ઝાંઝવાની ઝંખના ને,
આંખો બેબાકાળી,
વરસ્યાનો કોને રે લાભ?
ઊગી ઊગીને બસ ઊગવાના થોર,
પેટ ભરી પસ્તાશે આભ.
કોણ જખ્મો ને કોણ સોયદોરા?
કે રાજ!અમે તો ચોમાસે, ચોમાસે કોરાં.
પીડાનું ફૂલ મારા અંબોડે ખોસીને કોઈ,
ચાલી ગયું રે છાનું,
એનઘેન ચકરાતી, ભ્રમણાઓ સામટી,
પૂછે તો આપવું શું બહાનું?
કોણ કહે અંધારા આઘા કે ઓરા,
આપણે તો ચોમાસે, ચોમાસે કોરાં.
કે રાજ!હવે હેલી વરસે કે પછી ફોરાં,
આપણે તો ચોમાસે ચોમાસે કોરાં.🙏❤️