“ગજબ હાથે ગુજારીને “
ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું?
મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું?
દુઃખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું?
સુકાણાં મોલ સૃષ્ટિનાં પછી વૃષ્ટિ થયાથી શું?
વિચાર્યું નહિ લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું?
જગમાં કોઈ નવ જાણે ઈ જનેતાનાં જણ્યાંથી શું?
ન ખાધું કે ન ખવડાવ્યું દુઃખી થઈને રળ્યાથી શું?
કવિ પિંગળ કહે પૈસો મુવા વખતે મળ્યાથી શું?