મણિપુર પ્રત્યે આવી નિરસતા કેમ ?
બે મહિનાથી વધારે સમય થઈ ગયો છતાં મણિપુર હજુ સુધી સળગી રહું છે. 130 થી વધારે લોકોનાં મૃત્યુ થઈ ગયા છે અને 50,000 થી વધારે લોકો બેઘર બની ગયાં છે. મણિપુરનાં લોકો દર્દથી ચીસો પાડી રહ્યાં છે પરંતુ સાંભળનાર કોઈ નથી. ભારતનાં એક અભિન્ન અંગમાં આવી દયનીય સ્થિતિ છે અને બાકીનાં ભારતનાં લોકોને તેનાથી જરાય ફરક પડી રહ્યો નથી. નોર્થ - ઈસ્ટનાં રાજય પ્રત્યે આવી દ્રષ્ટિ દેશની અખંડિતતા માટે યોગ્ય નથી. દિવસભર યુક્રૈન - રશિયા અને અમેરિકા - ચીન ઉપર પ્રાઈમ ટાઈમ ન્યૂઝ ચલાવતું ટીવી મીડિયા દેશનાં જ એક રાજયમાં ચાલી રહેલી હિંસા પ્રત્યે તદ્દન ખામોશ છે. જ્યારે કોઈ રાજયમાં ચૂંટણી હોય છે ત્યારે રાજકીય પાર્ટીઓ તે રાજયમાં મહિનાઓ સુધી ડેરો જમાવી રાખે છે અને કોઈ પણ રીતે સત્તા પ્રાપ્ત કરવી એ એક જ લક્ષ્ય હોય છે. અંતે જો સત્તા ના પણ મળે તો નેતાઓને તોડી - જોડીને પણ રાજયમાં કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં સત્તા મેળવીને જ જંપે છે. તો આવી હોંશિયારી, આવી ચાણક્ય બુદ્ધિ હિંસા રોકવા માટે કેમ નથી વાપરતા એ સવાલ થાય છે. શા માટે એક રાજયને સળગતું છોડીને નેતાઓ આવનારી વિધાનસભા અને લોકસભા ચૂંટણીની સભાઓ ગજવી રહ્યાં છે. શું રાજનીતિમાં સત્તા પ્રાપ્ત કર્યા બાદ પક્ષો અને નેતાઓની જવાબદારી પૂરી થઈ જાય છે ?
મણિપુરનાં લોકોનો ડબલ એન્જિન સરકાર પરથી ભરોસો તૂટી રહ્યો છે. સરકાર પ્રજાની રક્ષા કરવામાં નિષ્ફળ નીવડી છે. જયાં મંત્રીઓનાં ઘર સળગાવવામાં આવી રહ્યાં હોય તો ત્યાંની સામાન્ય પ્રજાની શું સ્થિતિ હશે એ આપ કલ્પી શકો છો. લોકોનો સરકાર પ્રત્યે આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેઓ દેશનાં યશસ્વી પ્રધાનમંત્રીથી એક શાંતિની અપીલની આશ લઈને બેઠા છે. સરકારે તાત્કાલિક કોઈ નક્કર પગલાં ભરીને શાંતિ સ્થાપિત કરવી જોઈએ. કારણ કે, નોર્થ - ઈસ્ટનાં રાજ્યોમાં પહેલાથી જ દુશ્મન દેશની નજર છે, તેથી ભારતની એકતા તુટવી ન જોઈએ નહીંતર તેનું પરિણામ આપણે સૌએ ભોગવવું પડશે. લોકતંત્રમાં લોકોની રક્ષા કરવી એ સરકારની ફરજ છે અને જો સરકાર તેમાં પાછી-પાની કરશે તો જનતા તેમને આવનાર ચૂંટણીમાં ઘરે બેસાડતા ખચકાટ નહીં કરે એ સરકારે ભૂલવું ન જોઈએ.
લેખક - બાદલ સોલંકી