“એક વિચારણીય મનનીય લેખ”
અચૂક વાંચોશો”
“ગનમાંથી ગોળી છૂટી.”
પછી એ નક્કર સ્તંભ સાથે અથડાઈ. ત્યાંથી ફ્ંટાઈને એ કેટ નામની ૩૨ વર્ષની ગોરી અમેરિકન યુવતીની પીઠમાં વાગી. શરીરની અંદર જઈને ગોળીએ ધોરી નસ છેદી નાખી. બે કલાક બાદ કેટનું અવસાન થયું. ગોળી છોડનાર જોઝ ઝરાટેએ બચાવમાં એવું કહ્યું કે થોડી જ વાર પહેલાં તે એક બેન્ચ પર બેઠો હતો. બેન્ચની નીચે રૂમાલમાં કશુંક વીંટાળેલું હતું. જોયું તો રૂમાલમાં ગન હતી. એ ગન ઉઠાવવા ગયો તેમાં આંગળી દબાઈ જતાં ગોળી છૂટી.
પાંચ દિવસની તપાસ બાદ કોર્ટે જોઝને ખૂનના આરોપોમાંથી મુક્ત કરીને છોડી દીધો.
૨૦૧૫ના જુલાઈ મહિનામાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો નજીક ઘટેલી આ ઘટનાની વાત અહીં પૂરી કરી શકાય. પણ વાત અહીં પૂરી નથી થતી.
જેનાથી ગોળી છૂટી તે જોઝ ઝરાટે એક-બે-ત્રણ-ચાર વાર નહીં, પાંચ વાર અમેરિકામાંથી હાંકી કઢાયેલો મેક્સિકન છે. જેટલી વાર અમેરિકા તેને કાઢી મૂકે એટલી વાર ફરી અમેરિકામાં ગેરકાયદે ઘૂસી જતા આ ઘૂસણખોર દ્વારા છૂટેલી ગોળીએ ગોરી યુવતીનો ભોગ લીધો એ વાતને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણીપ્રચારમાં ચગાવી કે જુઓ… જુઓ… જુઓ… બહારથી આપણા દેશમાં ઘૂસી આવેલા લોકો આપણા માણસોના ખૂન કરી રહ્યા છે. મેક્સિકન ઘૂસણખોરો સામે તો ટ્રમ્પે હોબાળો મચાવ્યો જ, સાથોસાથ દુનિયાભરમાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશી જનારાઓ ‘બળાત્કારીઓ અને ખૂનીઓ’ સામે ટ્રમ્પે ગોરા અમેરિકનોને ચેતવ્યા (આમાં ભારત-પાકિસ્તાનથી ગયેલા અને અમેરિકાની સ્થાનિક ભાષામાં ‘પાકી’ તરીકે ઓળખાતાં એશિયનો પણ આવી જાય).
ટૂંકમાં, પેલી ગોરી યુવતી કેટ સ્ટીનલના અત્યંત કમનસીબ મૃત્યુએ અમેરિકાની ગોરી પ્રજામાં સહાનુભૂતિનું એક નાનકડું મોજું જગાવ્યું, જેને ટ્રમ્પ જેવા રાજકારણીઓએ ચગાવીને વધુ મોટું બનાવ્યું.
સહાનુભૂતિ એક સારી બાબત છે, પણ એ બેધારી તલવાર જેવી હોય છે.
સહાનુભૂતિ એટલું શું? સહ-અનુભૂતિ એટલે સહાનુભૂતિ, સમ-સંવેદના, સહભાવ, તાદાત્મ્ય. જેવું તમે અનુભવ્યું તેવું હું અનુભવું એનું નામ સહ-અનુભૂતિ. કોઈની માતા મૃત્યુ પામે ત્યારે આસપાસના લોકો પોતાની માતા ન ગુમાવવા છતાં પેલા માણસનું દર્દ અનુભવે તેનું નામ સહાનુભૂતિ.
ભારતમાં યુવાન રાજીવ ગાંધીનાં માતા ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે આખા દેશે એક નેતા ગુમાવવાના અફ્સોસ ઉપરાંત માતા ગુમાવનાર રાજીવ ગાંધી પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ અનુભવી કે સહાનુભૂતિના એ મોજાના જોરે રાજીવ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસે ભારતના ઇતિહાસમાં સૌથી મોટા માર્જિનથી ચૂંટણી જીતી. એ ચૂંટણીમાં લોકસભાની કુલ ૫૧૪માંથી ૪૦૪ બેઠકો કોંગ્રેસને મળી (પંજાબ અને આસામમાં અંધાધૂંધી હોવાને કારણે ત્યાં પછીના વર્ષે ચૂંટણી યોજાયેલી).
આખી વાતમાં મતદારોએ વડા પ્રધાનપદના નવા ઉમેદવારની ક્ષમતા કે અનુભવ કરતાં મુખ્યત્વે એ જ જોયું કે આ માણસની માતાની હત્યા થઈ હતી. મતદારો લાગણીથી દોરાયા અને તેમણે ભાજપની હાલની તાજી અને પ્રચંડ જીત કરતાં પણ વધુ પ્રચંડ જીત કોંગ્રેસને મેળવી આપી.
આ કમાલ છે સહાનુભૂતિની.
અને આ જ મર્યાદા પણ છે સહાનુભૂતિની કે એ આપણને ગેરમાર્ગે પણ દોરી શકે છે.
પાકિસ્તાનનો હાફીઝ સઈદ ઉગ્રવાદી છે એવું આખી દુનિયા સ્વીકારે છે, પણ આ માણસ જમાત-ઉદ-દાવાના નેજા હેઠળ ૩૦૦થી વધુ શાળા-હોસ્પિટલો-એમ્બ્યુલન્સ સેવા વગેરે ચલાવતો હોવાથી (અને ખાસ તો એ ઇસ્લામનો જયજયકાર કરતો હોવાથી) સ્થાનિક પાકિસ્તાનીઓને તેના પ્રત્યે સહાનુભૂતિ છે અને ખુદ હાફીઝ પણ પાકિસ્તાનીઓ પ્રત્યે અને જગતભરના મુસ્લિમો પ્રત્યે સહાનુભૂતિ અનુભવે છે. પણ આ સહાનુભૂતિના જોરે તે હત્યાઓ કરાવે છે તેનું શું?
ટૂંકમાં, સહાનુભૂતિ કટ્ટરતા તરફ જવાનું એક પગથિયું પણ બની શકે તેમ છે. તમારી આસપાસમાં જ તમે એવા કેટલાક સમાજસેવક જોયા હશે જે કોઈ મોટી દુર્ઘટના વખતે તરત સેવાકાર્યમાં લાગી જતા હશે, પરંતુ સાથોસાથ પોતાની સંસ્થા કે જાતિ કે ધર્મના મામલે તેઓ ભારે કટ્ટર હશે.
માણસની સેવા છોડો, મૂંગા પશુ-પંખીની સેવામાં ગૂંથાયેલા પશુપ્રેમીઓનો ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે તો એવો સવાલ જાગી શકે કે આ લોકો આટલાં આકરાં શા માટે હોય છે? શું પશુ પ્રત્યેની તેમની તીવ્ર સહાનુભૂતિ માનવી પ્રત્યેની તેમની સહાનુભિતમાં ઘટાડો કરતી હશે?
છેડતી જેવો અપરાધ કરનારી વ્યક્તિ જ્યારે ટોળાના હાથમાં ઝડપાઈ જાય છે ત્યારે છેડતીનો ભોગ બનનારી સ્ત્રી પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને, એ સ્ત્રીને થયેલા અન્યાયનો બદલો લેવા માટે ટોળું જે અતિરેક કરી બેસે છે તે પોતે અન્યાયી બની શકે છે.
હાલમાં કોલકાતામાં ડોક્ટર પર થયેલા હુમલા બાદ ડોક્ટરો પ્રત્યે સહાનુભૂતિ તો સૌએ અનુભવી અને દેશભરના ડોક્ટરોએ તો આ મામલે એટલી બધી સહાનુભૂતિ અનુભવી કે તેઓ હડતાળ પર ઉતરી ગયા. આ હડતાળને લીધે, સારવારના અભાવને લીધે અનેક દરદીઓ મરવું પડયું. ડોક્ટર પરના હુમલા કરતાં સહાનુભૂતિ-આંદોલનને લીધે થયેલાં મોત વધુ ખરાબ બાબત હતી.
ટૂંકમાં, સહાનુભૂતિ પોતે ખરાબ નથી જ, પરંતુ તેનો દુરુપયોગ થઈ શકે છે, એ ગેરમાર્ગે પણ દોરી શકે છે. માટે ચેતવું.
સહાનુભૂતિ વિશેના આવા છૂટાછવાયા વિચારોને ટેકો આપી શકે એવું પુસ્તક હાલમાં પ્રગટ થયું છે. એ પુસ્તકનું નામ છેઃ અગેન્સ્ટ એમ્પેથીઃ ધ કેસ ફોર રેશનલ કમ્પેશન. અર્થાત્, સહભાવ-સહાનુભૂતિના વિરોધમાં : તાર્કિક કરુણાની તરફેણમાં. પુસ્તક તો નથી વાંચ્યું, પરંતુ તેના વિશેના એક લેખમાં લેખક પૌલ બ્લૂમનું એક અવતરણ વાંચવા મળ્યું,
‘સહાનુભૂતિ મીઠી સોડા (પ્રચલિત ઠંડાં પીણાં) જેવી લોભામણી અને સ્વાદિષ્ટ તો હોય છે, પરંતુ ગુણકારી નથી હોતી.’ એના વિકલ્પ રૂપે તર્ક, કરુણા અને આત્મસંયમ જેવા વધુ પૌષ્ટિક તત્ત્વો અપનાવવાની પૌલ બ્લૂમ ભલામણ કરે છે.
સહાનુભૂતિ અને કરુણા… આ બે નજીક-નજીકના શબ્દો વચ્ચેનો ભેદ સમજવાની કવાયત અઘરી તો છે, છતાં આખો મામલો શાંતિથી સમજવા-વિચારવા જેવો છે. વિચારજો.
શુભ દિવસ
- Dipak Soliya સંસ્કાર પૂર્તિ, સંદેશ”