તમે મન મૂકી વરસો,
ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ,
માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
– ખલીલ ધનતેજવી