પધારી નવવધૂ આંગણે...
કંઈ કેટલાય સપનાને છોડીને,
એક નવા સપનાને સાકાર કરવા !
પગથી માથા સુધી સજેલા શણગારમાં...
સૌંદર્યા કુમકુમ પગલે આવી નવા સંસારમાં...
મોં પરનું આછું સ્મિત એને ભલે હસાવે,
હ્ર્દયનો ખૂણો ક્યાંક તો માતાની યાદે ગયો રડાવી...
હાથની મહેંદીમાં રંગ ભલે પિયુનો હોય....
પિતાથી દૂર થયાનો આંસુનો રંગ કોઈ ન જાણી શક્યું !
હસતા હોઠે જ્યારે બારસાખે બાંધ્યું તોરણ,
હવાની લહેરખીએ પિયરનો આસોપાલવ પણ બોલ્યો....
હતી લાડકી પિયરની મારા થડને ઝાલીને જે રમતી,
હતી વ્હાલી પિયરમાં, જે સહુને ગમતી,
બસ...બધાને ગમજે અને નમજે તું,
સંસ્કારોની સાથે જીવજે તું,
પગની પાયલ જેટલી વાગે એટલા વેણ ખમજે..
મંગલસૂત્રના મોતીની જેમ પરિવારને જોડજે,
હાથની ચૂડીની જેમ અખંડ રહી કદી ન તૂટજે...
સેંથીના સિંદૂરની કિંમત સમજી,
સદાય અખંડ સૌભાગ્યવતીના આશિષ મેળવજે...
તું સદૈવ અખંડ સૌભાગ્ય ભોગવજે...
આજ મારા આંગણે આવનારા નવવધૂ તમે,
બધાના હૈયે હસતા હસતાં હસતાં રાજ કરજો..
-Shital Malani