ઈશ્વર તું પણ છે વિજ્ઞાની!
પથ્થર અંદર જીવ જીવે
ને બંધ શ્રીફળમાં પાણી,
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની!
જવાબ દેને પોલા નભમાં
સૂર્ય ચંદ્ર ક્યાં રહેતા હશે?
જનનીના ઉદરમાં જીવ જીવે
એ વાયુ ક્યાંથી લેતા હશે?
તું સર્જાવે, તું સંહારે,
પણ રાખે નહિ નિશાની,
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની!
પય પાન માટે જાદુગર
તેં લોહીનું દૂધ બનાવ્યું,
કયે કર્મે આ જીવ અવતરે
એ તો ના સમજાવ્યું,
કોને બંધન,આમાં કોને મુક્તિ?
વાત રાખે છે છાની,
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની!
પથ્થર અંદર જીવ જીવે
ને બંધ શ્રીફળમાં પાણી
ઈશ્વર તું પણ છે વિજ્ઞાની!
સૌજન્ય:-
D. C. Vyas 🙏🏻