લોકગીત "મોરબી ની વાણિયણ"
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય
આગળ રે મોરબીની વાણિયણ
પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય
એ... કરો રે ગોરાંદે તમારા
બેડલાંના મૂલ,
હે તમારા બેડલાંના મૂલ
મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારે રે બેડલિયે તમારા હાથી
થાશે ડૂલ
એ... કરો રે ગોરાંદે તમારી ઈંઢોણીના મૂલ,
હે તમારી ઈંઢોણીના મૂલ
મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે ઈંઢોણી માં તમારા ઘોડા થાશે ડૂલ
એ... કરો રે ગોરાંદે તમારા અંબોડાના મૂલ
હે તમારા અંબોડાના મૂલ
મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારા રે અંબોડે તમારા રાજ થાશે ડૂલ
એ... કરો રે ગોરાંદે
તમારા પાનિયુંના મૂલ,
હે તમારી પાનિયુંના મૂલ
મને જાવા દ્યો જીવાજી ઠાકોર
રહેવા દ્યો ને મોરબીના રાજા
નથી કરવા મૂલ
મારી રે પાનિયુંમાં તમારું માથું થાશે ડૂલ
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય
સદર લોકગીત મોરબી ના સાતમા જાડેજા રાજવી જયાજી ને અનુલક્ષી લખાયું હોય તેમ જણાય છે. લોકગીત નો આનંદ માણી શકાય. લોકકથા મુજબ મોરબી ઠાકોર જયાજી જાડેજા (ઇસ.૧૭૯૦-૧૮૨૮) મચ્છુ નદી કાંઠે પાણી ભરવા ગયેલી એક વણિક સ્ત્રી તરફ આકર્ષાયા હતા અને તે સ્ત્રીને તે ગમ્યું ન હતું. પરંતુ, રાજવીએ મહિલાને હેરાન કરવાનું ચાલુ રાખ્યું. રાજવીથી પરેશાન થઈને સ્ત્રીએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું અને મૃત્યુ પામી હતી. તેણે ડૂબતા પહેલા શ્રાપ આપ્યો હતો કે સાત પેઢીઓ જશે, પછી ન તો તમારો વંશ રહેશે અને ન તમારું શહેર રહેશે. આ લોકવાર્તા આધારિત ઘણા લોકગીતો પણ રચાયા છે. હવે એવું કહેવાય છે કે આ શ્રાપને કારણે રાજવીઓ ના શાસનનો અંત આવ્યો.
પરંતુ શ્રાપ કંઈ સાચા ન પડે.૨૧ મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ના યુગમાં માની ન શકાય. લોકવાયકાઓ આધારિત ઘટના ને સાચી ના માની શકાય.તે ઇતિહાસ નથી.રાજપૂત રાજવીઓ પ્રજા વત્સલ અને પ્રજા ના સંરક્ષક હતા.અગાઉ જે તે નાના ગામના રાજવી ને ઠાકોર કહેવામાં આવતા હતા.ઇસ.૧૯૪૭ માં મોરબી જ્યારે ભારતમાં ભળ્યું ત્યારે છેલ્લા રાજવી લખધીરસિંહજી જાડેજા હતા.
જય માતાજી