મંદાકિની ઉદગમસ્થાન
..............................
ll આપણી ભાષાની સમૃદ્ધિ તો જુઓ... અનસુયા એ નામ બે ભાગોનો બનેલ છે. અન એ નકારાત્મક ઉપસર્ગ છે અને અસૂયા એટલે ઈર્ષ્યા. આથી તેનો અર્થ અનસુયા ઇર્ષ્યા અથવા જલનથી મુક્ત એવો થાય છે. સીતા અને રામ જ્યારે તેમના વનવાસ દરમિયાન અત્રિ ઋષિના આશ્રમની મુલાકાતે આવ્યા હતા ત્યારે અનસૂયા તેમની ખૂબ સંભાળ રાખતા હતા અને તેમણે સીતાને એક લેપ આપ્યો હતો જેથી તેમની સુંદરતા કાયમ જળવાઈ રહે. તેઓ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શિવનો અવતાર - દત્તાત્રેય ; શિવનો અવતાર - ક્રોધી ઋષિ દુર્વાસા અને બ્રહ્માનો અવતાર એવા ચંદ્રાત્રિ (ચંદ્ર)ની માતા હતા. તેઓ ઋષિ કર્દામા અને તેની પત્ની દેવહુતિની પુત્રી હતા. ઋષિ કપિલ તેમના ભાઈ અને શિક્ષક હતા. તેઓ સતી અનુસુયા - પવિત્ર પત્ની અનુસુયા તરીકે પણ ઓળખાય છે .
સતી અનુસુયા આશ્રમ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં આવેલો છે, જે મંદાકિની નદીની ઉપર તરફના ભાગમાં સ્થિત છે. શહેરથી ૧૬ કિ.મી. ગાઢ જંગલ અને પક્ષીઓની મધુર સંગીત વચ્ચે સુયોજિત છે. અહીં ઋષિ અત્રિ, તેમની પત્ની અનુસુયા અને તેમના ત્રણ પુત્રો (જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના ત્રણ અવતારો હતા) રહેતા અને તપ કરતા હોવાનું કહેવાય છે. વાલ્મિકીજી એ રામાયણમાં વર્ણન કર્યું છે કે એક સમયે ચિત્રકૂટમાં દસ વર્ષથી વરસાદ પડ્યો ન હતો. સખત દુકાળ પડ્યો અને પ્રાણીઓ અને પક્ષીઓને ખાવા-પીવા માટે કંઈ જ બચ્યું નહીં. સતી અનસૂયાએ સખત અને સઘન તપ સાધના કરી અને મંદાકિની નદીને પૃથ્વી પર ઉતારી હતી. આને પરિણામે અહીં લીલોતરી અને જંગલો વધ્યા અને સર્વ ઋષિઓ અને પ્રાણીઓની પીડા દૂર થઈ. સતી અનુસુઆ આશ્રમ, હાલમાં એક ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે. જ્યાં પર્વતોમાંથી વિવિધ પ્રવાહો ભેગા થાય છે અને મંદાકિની નદી આકાર લે છે.
એવું કહેવામાં આવે છે કે સીતા માતા અને પ્રભુ રામ પણ મહર્ષિ અત્રિ અને સતી અનુસુયાને મળવા આ સ્થળે આવ્યાં હતા. અહીં સતી અનુસુયાએ સીતાને સતીત્વની ભવ્યતા અને મહત્વ સમજાવ્યું. દંડકના ગાઢ જંગલો આ સ્થાનથી શરૂ થાય છે. આ જંગલો પર તે સમયે રાવણનું શાસન હતું. રાવણે તેના શાસકો તરીકે ખર અને વિરાધ જેવા શક્તિશાળી રાક્ષસોની નિમણૂંક કરી હતી. આ સ્થાનને રાક્ષસોના આતંકથી ગ્રસ્ત હતું. નારદ મુનિ એ ત્રિદેવના પત્નીઓના ખોટા અભિમાનને દૂર કરવામાં મદદરૂપ થવા અને અનસુયાની ચકાસણી કરવા માટે, આ આખી યોજના બનાવેલી જે મૂજબ ત્રિદેવે ભિક્ષા લેતા પહેલાં શરત મૂકી કે તેઓ શરીર પર વસ્ત્ર વિના જ ખોરાક લેશે. અનસુયાએ ઋષિના રૂપમાં આવેલા ત્રિદેવોને બાળકો માં પરિવર્તીત કરી દીધાં તેમને ઘોડિયામાં મૂકી અને 'આદિ દેવા આદિ મૂલા આદી બ્રહ્મા જો જો' ગાતા ગાતા ખવડાવે છે. ત્યારે અત્રિ પણ ત્યાં આવે છે. અને પોતાની સર્વ શક્તિઓ બાજુએ મૂકી અનસુયાના હાથે ભોજન લેતા ત્રિદેવને નિહાળે છે. ll