શું સાચું અને શું ખોટું ?
શું યોગ્ય અને શું અયોગ્ય ?
શું સત્ય અને શું અસત્ય ?
આ તફાવત વચ્ચે ભેદરેખા અંકિત કરનાર અધિકારી કોણ ?
કોઈને મારાં ટી-શર્ટનો રંગ પસંદ પડશે
તો કોઈને તે ટી-શર્ટની ફેશન નાપસંદ પડશે
મારી ત્વચા કાળી લાગે કોઈને,
તો કોઈને શ્યામવરણી..
જે નથી પૂર્ણસત્ય કે નથી પૂર્ણઅસત્ય..
એ તફાવતના મધ્યની તરફેણ કોણ કરશે ?
કોઈને આલિંગનમાં જ્ક્ડ્યાની વેળાએ,
કોઈને વિચારોમાં જકડવું યોગ્ય છે ?
જે આલિંગનમાં છે, તે યોગ્ય નથી,
તો..
જે વિચારોમાં છે, તે કઈ દ્રષ્ટિ એ અયોગ્ય ?
માંહ્યલો વારંવાર એનું નામ રટણ કર્યા કરે... જેના તમે હક્કદાર નથી
અને અનાયસે તેનો સાક્ષાત્કાર થાય...
ત્યારે તેને નજર અંદાઝ કરવું કેટલું નામંજૂર અને યોગ્ય છે ?
અને એ નજર સમક્ષ છે તો કેમ છે ?
ક્ષણભર તેને નિહાળવું અયોગ્ય છે તો..
યોગ્ય શું છે ?
આ નિર્ણયનો અધિકારી કોણ ?
જો ચોરી કર્યાની સજા મળે તો,
દલડું દુખાવ્યાની સજા પણ ફટકારવી જોઈએ
ન્યાયાલય ઘર તોડવાની સુનાવણી કરે છે,
તો ઘરસંસાર છિન્નભિન્ન કરે
તેવી સજાની પણ જોગવાઈ હોવી જોઈએ
કોઈ એક વ્યક્તિને ચિક્કાર પ્રેમ કરવો યોગ્ય છે, અને જો એ
વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિના ગળાડૂબ પ્રેમમાં છે તો..
તેને અયોગ્ય માનવું કેટલું યોગ્ય છે ?
અને એ વ્યક્તિ યોગ્ય છે, તો હું શા માટે અયોગ્ય છું ?
આ યોગ્ય,અયોગ્ય વચ્ચે કશુંક હશે ?
સ્ત્રી સાલમતીની જરૂર નથી તો,
સ્ત્રીનું બંડ પોકારવું અયોગ્ય છે ?
નિર્ભય બનીને જીવવું અયોગ્ય છે તો
રોજ મરી મરીને જીવવું યોગ્ય છે ?
આજીવન માત્રને માત્ર કોઈ એક વ્યક્તિને ચાહતા રહેવું યોગ્ય હોય તો..
અમ્રિતાનો સાહિર પ્રત્યેનો અયોગ્ય હતો ?
અને ફ્કત ને ફક્ત કોઈ એક વ્યક્તિ માટે જીવનભર ઝુરાપો ઝંખવો અયોગ્ય છે, તો શું અમ્રિતા માટે ઈમરોઝનો પ્રેમ અયોગ્ય હતો ?
જો સ્વાર્થ પ્રેમને નષ્ટ કરે તો, પ્રેમની ઉપજનો ઉદ્દેશ શું ?
સૌને મરજી મુજબની જિંદગાની જીવવાની આઝાદી છે. તો..
સદીઓથી કરુણાંત પ્રેમ કિસ્સાના કિરદાર કોણ નિભાવ્યે જાય છે ?
જો ઈશ્કને ઈબાદતનું નામ આપ્યું તો.. ધર્મના નામે કેમ ફંટાઈ જાય છે ?
સાચા છે કે ખોટા... ?
આવા દાખલા પુરવાર કરનારનો દાવેદાર છેવટે કોણ ?
-વિજય રાવલ
૨૩/૦૭/૨૦૨૨