ભક્તિ રચના "માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો"
ઓ મા… ઓ મા….
માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા એ આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
માવડી ની કોટમાં તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા એ અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો…
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો.
માતાજી ની સ્તુતિ માટે ની અદ્ભૂત ગુજરાતી રચના. ગુજરાતી સુગમ સંગીતની આ અજરા-અમર કૃતિ છે! આ ફક્ત એક ભક્તિ રચના નથી. અવિનાશભાઈ વ્યાસ ના શબ્દો અને સંગીતમઢી આ રચના સુગમ સંગીતના મોટાભાગના પ્રોગ્રામમાં અચૂક ગવાય છે! વર્ષોથી સાંભળતા આવીએ છીએ, તો યે આ રચનામાં એવો તો જાદૂ છે કે જેટલીવાર સાંભળીએ એટલીવાર ડોલાવી જાય છે! મંત્રમુગ્ધ કરી જાય છે! આ રચના હેમા દેસાઇના સૂરીલા સ્વરમાં ટહૂકે છે. તદઉપરાંત આ રચના ગાયિકા આશા ભોંસલે ના મધમીઠા સ્વરમાં માણવાનો મોકો ચૂકશો નહિ.
પ્રસુતિ:ડો.ભૈરવસિંહ રાઓલ