ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની
ઘરમાં ફરફર ફુદડી ફરું
સોળે શણગાર સજાવતી સરું
જોતી વાટ આવવા મારા વાલમની.
ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની.
દૂરથી આવે દોડતા આવે
આવ્યાના મને ભણકારા વાગે
જાગતી જોઉં સપની મારા વાલમની
ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની
આ સાંભળું આવે પગરવ એનો
ચડતો મેડી ધમધમાવતો જેનો
જોરુકો તે રવ આવ્યો કાને
તલસું હું એને ભેટવા સામે
ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની
ઝમઝમ મારું ઝાંઝર ઝમકાવું
ફરફર ફરકાવું ગવન ઉડાડું
ખણખણ બંગડીઓ આ રણકાવું
ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની.
વાલમ મારો ચાલી આવશે સામે
પકડી કમર ઝાલી રાખશે આમે
જોઉં હું તો અરીસામાં અમને
મનડું નાચે તનડું રાચે જાગતાં શમણે
દલડું ધબકે તનડું ફરકે
અંગ અંગ મારું જો ફરકે
તલસું હું એના હોઠ કાજે
આનંદે મીચું આંખલડી.
ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની.
કરશું બેસી ઢોલિયે મીઠી વાતલડી
પૂરો દહાડો લાંબી મારી રાતલડી
સાંભળીશ ધીમા બોલ એના શ્વાસોના
પૂરાં તનડે બોલ બોલીશ મારી વાતોના
આ ઉંબરે દેતો વાલમ હસી વ્હાલપની
વિંટું હાથ ગળે ને પુરી વાટડી વાલમની.
ઉભી ઝરૂખે જોઉં વાટડી વાલમની.
સુનીલ અંજારિયા