રામમંદિર માટે મરવા તૈયાર થનાર, શામાટે રામમંદિરના વિરોધી બની ગયા?
1990માં પ્રથમ ‘કારસેવા’માં રાજસ્થાનના ભંવર મેઘવંશીએ મરવા-મારવાની તૈયારી સાથે ભાગ લીધો હતો. રામમંદિરના વિરોધીઓ તેમને રામ/ભારત/હિંદુઓના વિરોધી લાગતા હતા; દેશદ્રોહી લાગતા હતા; પરંતુ હવે ભંવર મેઘવંશી પોતે જ રામમંદિરનો વિરોધ કરે છે ! અયોધ્યા ખાતે બાબરી મસ્જિદ તોડીને રામમંદિર નિર્માણની ઝુંબેશમાં ઝનૂનપૂર્વક ભાગ લેનાર ભંવર મેઘવંશી શામાટે રામમંદિરના વિરોધી બની ગયા? શામાટે હવે તેમને રામમંદિર નિરર્થક લાગે છે? ઓસ્ટ્રેલિયા સ્થિત ઉત્પલ યાજ્ઞિકે 25 ઓક્ટોબર 2021ના રોજ ‘Beyond Beliefs’ ચેનલ માટે ભંવર મેઘવંશીનો વિચારપ્રેરક ઈન્ટરવ્યૂ લીધો છે; જે યૂટ્યુબ ઉપર ઉપલબ્ધ છે.
કોણ છે ભંવર મેઘવંશી? દલિત લેખક-પત્રકાર છે. ઉંમર 46 વરસ. તેઓ 13 વરસની ઉંમરે RSSમાં જોડાયા હતા. તેમને લાગતું હતું કે રામમંદિર બની જાય/ ભારત હિન્દુરાષ્ટ્ર બની જાય તો દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જાય ! પરંતુ હવે તેમને લાગે છે કે “રામમંદિરથી કોઈ ફાયદો નહીં થાય; રામમંદિરના નિર્માણથી નવા હિન્દુરાષ્ટ્રનો પાયો નાખવામાં આવી રહ્યો છે ! હિંન્દુરાષ્ટ્રથી દલિતો/આદિવાસીઓ/વંચિતોને કોઈ ફાયદો થવાનો નથી ! આજે પણ ગામના રામમંદિરમાં દલિતોને પ્રવેશ મળતો નથી; ગામના સ્મશાનમાં પ્રવેશ મળતો નથી; તો અયોધ્યામાં મંદિર નિર્માણથી શું ફાયદો થાય?” સવાલ એ છે કે ભંવર મેઘવંશીની આંખ કેમ ખૂલી? શા કારણે મોહભંગ થયો? 12 માર્ચ 1991ના રોજ ભીલવાડામાં ‘મંદિર સોંપો, ગદ્દી છોડો’ સરઘસ કાઢવામાં આવ્યું હતું; જેમાં પોલીસે ફાયરિંગ કરતા શહેરમાં સામાન ખરીદવા આવેલ બે લોકોના મોત થયા. બન્ને હિન્દુ હતા એટલે હિન્દુ સંગઠનોએ બન્નેને શહીદ ઘોષિત કરી દીધા ! એમની અસ્થિ કળશયાત્રા ગામેગામ ફેરવી. ભંવર મેઘવંશીના ગામે પણ કળશયાત્રા ગઈ. કળશયાત્રા માટે ભંવર મેઘવંશીએ ભોજન તૈયાર કર્યું હતું; પરંતુ સાધુસંતોએ ભોજન ન કર્યું; પરંતુ ભોજન પેક કરીને આપવા કહ્યું. ભંવર મેઘવંશીએ ભોજન પેક કરી આપ્યું. બીજે દિવસે તેમને ખબર પડી કે સાધુસંતોએ પેક કરી આપેલ ભોજન રસ્તાની બાજુમાં ફેંકી દીધું હતું ! મોડી રાત્રે સાધુસંતોએ બાજુના ગામે એક બ્રાહ્મણના ઘેર ભોજન તૈયાર કરાવ્યું અને જમ્યા હતા ! જાતિવાદની કલઈ ખૂલી ગઈ ! વિચિત્રતા તો જૂઓ, ભંવર મેઘવંશી રામમંદિર માટે/ હિન્દુરાષ્ટ્ર માટે મરવા તૈયાર હતા; પરંતુ સાધુસંતો તેમના ઘેર ભોજન કરવા તૈયાર ન હતા ! ભવંર મેઘવંશીએ આ અંગે સંધના વડા રજ્જુ ભૈયાને પત્ર લખ્યો પરંતુ જવાબ ન મળ્યો ! સંઘમાં નીચેથી ઉપર વાત જતી નથી; ઉપરથી નીચે જ વાત આવે છે !
ભંવર મેઘવંશીએ RSSનો પર્દાફાશ કરતું પુસ્તક લખ્યું છે : ‘મૈં એક કારસેવક થા- I Could Not Be Hindu : The Story of a Dalit in The RSS’ આ પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે હિન્દુરાષ્ટ્ર એટલે પંડિતોનું/ઠાકુરોનું/શેઠજીનું રાષ્ટ્ર ! ભંવર મેઘવંશી કહે છે : [1] RSS અવૈજ્ઞાનિક વાતો શીખવે છે. સ્કૂલથી શાખામાં જુદું શીખવે છે. સ્કૂલમાં શીખવે છે કે સૂર્ય આગનો ગોળો છે. શાખામાં કહે છે કે સૂર્ય દેવતા છે; સૂર્યનમસ્કાર કરો ! હનુમાનજી સૂર્યને ગળી ગયા હતા ! [2] મુસ્લિમો અને બીજા ધર્મો આક્રાંતા છે, વિદેશી છે. તેઓ ભારતને જન્મભૂમિ/પુણ્યભૂમિ/માતૃભૂમિ માનતા નથી. નફરતના બીજ રોપવામાં આવે છે. [3] બૌધ્ધિક કરતા શારીરિક મજબૂતી ઉપર ભાર મૂકાય છે. [4] RSSમાં અપર કાસ્ટનું વર્ચસ્વ છે. [5] સંધને વિચારક નહી, માત્ર પ્રચારક જોઈએ છે. નાગપુરથી જે કહેવામાં આવે તેનો પ્રચાર કરવાનો ! [6] RSS સંવિધાનમાં માનતું નથી; તેમને માટે મનુસ્મૃતિ આદર્શ છે. તમામ શાખાઓમાં અને સરકારી કાર્યક્રમોમાં ગીત ગવાય છે-‘धरती की शान तू है मनु की सन्तान !’ જાતિને વિશિષ્ટ માને છે; વર્ણવ્યવસ્થાનું સમર્થન કરે છે ! [7] કથની અને કરણીમાં તફાવત છે. અમને મોટિવેટ કરીને અયોધ્યા મોકલી દીધા અને પોતે ભીલવાડા જ રોકાઈ ગયા ! દંગા-ફસાઈ થાય ત્યારે સંધના નેતાઓના સંતાનો હોતા નથી ; કાર્યકરોને ધકેલવામાં આવે છે ! [8] હિન્દુ/હિન્દી-રાષ્ટ્રભાષાની વાતો કરે છે અને સંઘના નેતાઓના સંતાનો મિશનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ/કોલેજમાં ભણે છે ! [9] ધીરે ધીરે કટ્ટરતાની ભાવના ઊભી કરવામાં આવે છે; જેથી આત્મબલિદાનની ઈચ્છા થાય છે ! જેમકે કારસેવક વેળાએ અમે ગાતા-‘રામજી કે નામ પર મર જાયેંગે; દુનિયા મેં અપના નામ અમર કર જાયેંગે !’ [10] આદર્શોની બહુ વાતો થાય પરંતુ અમલ જોવા ન મળે. ‘न हिन्दू: पतितो भवेत् !’ની વાત કરે અને જાતિવાદ પણ કરે; છૂઆછૂત પણ કરે ! ‘હિન્દુ-હિન્દુ, ભાઈ -ભાઈ’ની ખોટી વાતો કરે છે. સમાજમાં સમરસતા કે સમાનતા આવે તેવું સંઘ ઈચ્છતો નથી…આ કારણોસર રામમંદિર માટે મરવા તૈયાર થનાર ભંવર મેઘવંશી, રામમંદિરના વિરોધી બની ગયા !rss
રમણીકભાઈ સવાસાણી
ફેસબુક વોલ
-મહેશ ઠાકર