Gujarati Quote in Questions by Umakant

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*(સત્ય ધટના)*

‘લગ્ન માટે મારી ‘હા’ છે અને તમારી પણ ‘હા’ છે.’

સત્યાવીસ વર્ષના યુવાન ડો.મેહુલ શાહે સામે બેઠેલી ડોક્ટર યુવતીને કહ્યું...

‘પણ માત્ર બે ‘હા’ થી લગ્નનો નિર્ણય ફાઈનલ નહીં થાય, એ માટે મારી બે શરતો છે, એ જો તમને મંજૂર હોય તો જ વાત આગળ વધારીએ...'

બાવીસ વર્ષની ડોક્ટર યુવતીને પ્રથમ મુલાકાતમાં જ આ યુવાન રસપ્રદ જણાયો હતો, હવે એને બે શરતો સાંભળવામાં પણ રસ જાગ્રત થયો. એણે પૂછ્યું..

‘શરતો શી છે?’

‘પહેલી શરત એ છે કે મને ફક્ત રૂપિયા કમાવામાં રસ નથી. જીવનભર મારે ગરીબ દર્દીઓની સેવા કરવી છે. આપણી પાસે જેટલા દર્દીઓ આવે એમાંથી એંશી ટકા દર્દીઓની ટ્રીટમેન્ટ એક પણ રૂપિયો લીધા વગર કરીશું. બાકીના વીસ ટકા દર્દીઓ પાસેથી જ ફી લઈશું. બોલો, આ શરત કબૂલ છે..?’

યુવતીને મુરતિયો ગમી ગયો હતો એટલે એણે પહેલી શરત મંજૂર કરી દીધી, પણ આટલું પૂછ્યા વગર તો એનાથી ન જ રહેવાયું:

'એંશી ટકાની ફી જતી કરીશું તો આપણાં બાળકોને સારી રીતે ઉછેરીશું કેવી રીતે..? એમનાં ભણવાનો અને ભવિષ્યમાં વિદેશમાં મોકલવાનો ખર્ચ ક્યાંથી…?’

‘એના જવાબ માટે મારી બીજી શરત સાંભળી લો.’

ડો. મેહુલભાઈ નિર્ણયાત્મક સાથે બોલ્યા..

‘આપણે સ્વેચ્છાપૂર્વક નિ:સંતાન રહેવાનું પસંદ કરીશું. મંજૂર છે..? બોલો, હા કે ના..? ચૂપ કેમ થઈ ગયાં..?’

યુવતીનું નામ ડો.શ્રેયા. આવી આકરી શરત કઈ સ્ત્રીને મંજૂર હોય..? ઘડિયાળના કાંટા સરકતા રહ્યા. જિંદગી ‘દો રાહા’ પર આવીને ઊભી હતી. એવા વળાંક પર હવે ઊભો છે કાફલો, અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. કવિ કિસન સોસા યાદ આવી ગયા. કવિ કેમ યાદ ન આવે..? આખી કિશોરાવસ્થા અને અડધી જુવાની ભણવામાં ખતમ કરી નાખી હોય, મેડિકલ સિલેબસના થોથાં વાંચવામાં વિવિધ રેસ્ટોરાંના ચટાકા અને પિકનિક્સની મોજમસ્તી ઓગાળી દીધી હોય, વોર્ડમાં કણસતા દર્દીઓની સારવાર ભણવા પાછળ સિનેમાના પડદા પર નાચતા-ગાચતા અમિતાભ, રાજેશ ખન્ના અને રેખા-શર્મિલાને જોવાનું વિસારી દીધું હોય, આ બધાંને અંતે ડોક્ટર બન્યાં હોય એ શેના માટે બન્યાં હોય..? કોઈ પણ સ્વપ્નસેવી ડોક્ટર યુવતીનું સપનું હોય છે સારો, હોશિયાર ડોક્ટર પતિ મેળવવાનું, મબલખ ધન રળવાનું, આલીશાન બંગલો, મોંઘી કાર, સામાજિક પ્રતિષ્ઠા, રૂપાળાં બાળકો અને ઓપરેશન થિયેટરની છતમાંથી ખરતા સોનાંના સિક્કાઓથી જિંદગીને ખણકતી બનાવી દેવાનું. આ સપનું સાકાર થવાની નિર્ણાયક પળ આવે ત્યારે જ કોઈએ સપનાંની લીલી ડાળ પર બબ્બે શરતોરૂપી કુહાડીનો ઘા મારે તો શું થાય..? ડો.શ્રેયાએ નિર્ણય લઈ લીધો. ઘૂઘવતી નદી તરફ જવાનો રસ્તો ભૂલી જઈને એણે રણની દિશા પકડી લીધી. રંગીન સ્વપ્નો ઉપર સફેદ રંગનો કૂચડો ફેરવી દીધો. લગ્ન માટે હા પાડી દીધી. 1992માં દાહોદમાં જન્મેલા ડો.મેહુલ શાહ અને ડો.શ્રેયાએ એક ફળવંતા શુભ દિવસે પ્રભુતામાં પગલાં પાડ્યાં. આ સ્વપ્નસેવી પતિ-પત્નીનો રાહ આસાન ન હતો. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યોના ત્રિભેટા પર આવેલો આ દાહોદનો વિસ્તાર ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ટ્રાઈબલ એરિયા હતો. ગરીબી એ અહીંનો રિવાજ હતો અને શ્રીમંત હોવું એ અહીં અપવાદરૂપ હતું. સેવાકાર્યનો શુભારંભ અતિશય અભાવ સાથે થયો. રહેણાંકના મકાનમાં નીચે દુકાન આવેલી હતી એ ખાલી કરાવીને ત્યાં દર્દીઓને તપાસવાનું શરૂ કર્યું. મેડા પર આવેલા બેડરૂમમાં ઓપરેશનો કરવાનું ચાલું કર્યું. પ્રારંભમાં માત્ર શનિવારનો એક દિવસ મફત સારવાર માટે ફાળવ્યો. પછી તરત સમજાઈ ગયું કે આ વિસ્તારના આદિવાસીઓ માટે તો આખું અઠવાડિયું પણ મફત રાખવામાં આવે તોય ઓછું પડે. કામ વધતું ગયું. આખરે મોટા મકાનમાં શિફ્ટ થવાની ફરજ પડી. સાત વર્ષની સફર પૂર્ણ કર્યા બાદ આ સેવાભાવી દંપતીને થયું કે આ ગરીબ આદિવાસીઓની વચ્ચે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ હોવી એ પણ પાપ ગણાય. 1999માં તેમણે રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવીને પોતાની ખાનગી હોસ્પિટલ સમાજને અર્પણ કરી દીધી. ડો.મેહુલભાઈ રેટાઇનલ અને વિટ્રીઅસ સર્જરીના નિષ્ણાત છે. ડો.શ્રેયાબહેન બાળકોના નેત્રરોગના વિશેષજ્ઞ છે. ત્રણ દાયકાના ત્યાગ અને સંઘર્ષ પછી આજે ‘દૃષ્ટિ નેત્રાલય’ નું નામ ગુજરાતમાં શિખર પર બિરાજે છે. અત્યાર સુધીમાં શાહ દંપતીએ પંદરેક લાખ દર્દીઓને નિ:શુલ્ક તપાસીને આંખના ક્ષેત્રમાં બેમિસાલ કામ કરી બતાવ્યું છે. તેમણે કરેલાં ઓપરેશનની સંખ્યા દોઢ લાખ જેવી થાય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મફત સારવાર આપતી હોસ્પિટલ અસ્વચ્છતા, અવિવેક અને રેઢિયાળપણાથી ઊભરાતી હોય છે. 'દૃષ્ટિ નેત્રાલય' આ બાબતોમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાની બરાબરીમાં ઊભી રહે છે. અહીં પાળવામાં આવતા સ્વચ્છતાના માપદંડોને જોઇને ભારત સરકારના ‘નેશનલ અેક્રેડિશન બોર્ડ ઑફ હેલ્થ’ દ્વારા સામેથી કહેવામાં આવ્યું...

‘અમે તમને એન.એ.બી.એચ (NABH) સર્ટિફિકેટ આપવા ઇચ્છીએ છીએ. આવું સર્ટિફિકેટ અમે ગુજરાતની એક પણ ખાનગી કે સરકારી આઈ હોસ્પિટલને આપ્યું નથી. તમે અરજી કેમ કરતા નથી..?’

ડો.મેહુલભાઈએ ડરતાં ડરતાં કહ્યું...

‘મેં સાંભળ્યું છે કે આવું સર્ટિફિકેટ મેળવવા માટે 500 કરતાં પણ વધારે માપદંડોનું કડક પાલન કરાતું હોવું જોઇએ.’

‘તમે સાચું જ સાંભળ્યું છે પણ અમે જાણ્યું છે કે તમે 580 જેટલા માપદંડોને ચુસ્તપણે અનુસરો છો.’

આવા જવાબ સાથે 'દૃષ્ટિ નેત્રાલય'ને એન.એ.બી.એચ (NABH) સર્ટિફિકેટ મળી ગયું. ગુજરાતમાં આવું ગૌરવ ધરાવતી એકમાત્ર હોસ્પિટલ. અમદાવાદમાં સવા લાખ રૂપિયાની ફી લઈને એક આંખનો મોતિયો કાઢી આપતી પ્રાઇવેટ હોસ્પિટલ પાસે પણ આ સર્ટિફિકેટ નથી. મોતિયાનાં ઓપરેશન કરવા એ તો અહીં સાવ સામાન્ય વાત છે. આંખની એવી બીમારીઓ જેની સારવાર મોટાભાગના નેત્રચિકિત્સકો હાથમાં લેતાં નથી જેવાં કે રેટાઇનલ સર્જરી, આંખની પ્લાસ્ટિક સર્જરી, ઝામર, ચશ્માંના નંબર ઉતારવા તેમ જ બાળકોની આંખની સારવાર આ બધાં ક્ષેત્રોમાં અહીં મોટું કામ થાય છે. ‌વિશ્વભરમાં અંધાપો એક મોટી સમસ્યા બની રહી છે. ભારતમાં અંધલોકોની સંખ્યા અન્ય દેશોની સરખામણીમાં ખૂબ વધારે છે. આપણે હંમેશાં ઓર્ગેનિક ફૂડ, આંખમાં આંજવાનો સૂરમો, કાજળ, શુદ્ધ દેશી ઘીના દીવાની મેશમાંથી બનાવેલું આંજણ આ બધાં માટે ગૌરવ અનુભવતા રહીએ છીએ. પણ નક્કર હકીકત એ છે કે આજે પણ ભારતમાં અંધ લોકોની સંખ્યા 18 મિલિયન્સ એટલે કે 1 કરોડ 80 લાખ જેટલી છે. આપણે પોલિયો નાબૂદી કરી શક્યા, આપણે શીતળામાંથી મુક્ત થઇ શક્યા પણ અંધત્વમાંથી આઝાદ થઇ શક્યા નથી. નોંધવા જેવી બાબત એ છે કે ભારતના આર્થિક દૃષ્ટિએ બીજા નંબરના પછાત એવા દાહોદ વિસ્તારમાં આ ડોક્ટર દંપતીની અવિરત સેવાના પ્રતાપે આજે દાહોદ જિલ્લો અંધત્વના અભિશાપમાંથી શતપ્રતિશત મુક્ત થઇ ગયો છે. આ એક ખૂબ મોટી સિદ્ધિ ગણી શકાય. તાજેતરમાં એક કાર્યક્રમમાં જવા માટે હું ભાડાની કેબમાં બેઠો હતો. ડ્રાઈવર જે રીતે ગાડી ચલાવતો હતો એનાથી નારાજ થઈને મેં ટોણો માર્યો...

‘ભાઈ, આંખ પર પટ્ટી બાંધીને ચલાવે છે કે શું..? દેખાતું નથી
.?’

ગરીબ ડ્રાઈવર રડી પડ્યો..

‘સાહેબ, મને ખરેખર દેખાતું નથી. મજબૂરીની પટ્ટી આંખ પર બાંધીને ગાડી ચલાવી છું. ડોક્ટરને બતાવ્યું તો એણે કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. 80,000નો ખર્ચ થશે. મારી પાસે એટલા રૂપિયા...’

‘એટલા રૂપિયાની જરૂર નથી. તારી કેબમાં ડીઝલ ભરાવવાના રૂપિયા હું આપીશ. દાહોદ પહોંચી જા. સારવાર અને ભોજન વિના પૈસે થઈ જશે.’

મેં એને દિશા બતાવી. જે દર્દીઓના પાકીટમાં કરન્સી નોટો છલકાય છે એમના માટે તો અનેક હોસ્પિટલો ધમધમે છે પણ ગરીબો માટે 'દૃષ્ટિ નેત્રાલય' એક એવું પવિત્ર સ્થાનક છે, જ્યાં નરવા નેત્ર અને સરવી દૃષ્ટિ નિ:શુલ્ક મળે છે.

લેખક. ડો. શરદ. ઠાકર

Gujarati Questions by Umakant : 111789302
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now