ગઝલ
સમય પથ્થર બનાવી દે અને તું વાગવા માંડે;
બહેતર એના કરતાં એ કે ઔષધ વાટવા માંડે.
હૃદયની આગ બાબત કોઈને તેથી નથી કહેતો,
જગતનો કૈં ભરોસો નૈં જગત તો તાપવા માંડે!
મરણ વિશે કહું અત્યારથી હું કેમ જીવનને?
નથી હું ઇચ્છતો કે એ ખુશીથી નાચવા માંડે!
મને સુથારની આ વાત હાડોહાડ લાગી ગઈ,
“ન ઠોકો એમ ખીલી લાકડે કે ફાટવા માંડે!”
મને ખાત્રી છે મારા સત્યમાં વધઘટ કશી નૈં થાય;
ભલેને સૌ હજારો વાર સૌના ત્રાજવા માંડે!
નયનમાં ઘાસ તારી યાદનું ઊગ્યું હશે ચોક્કસ,
નહીંતર આમ પાંપણ પર ન ઝાકળ બાઝવા માંડે!
કહો સંજોગ સાથે દ્વંદ્વમાં એવું કરું શું હું?
ગળું મૂકીને એ મારાં ચરણને દાબવા માંડે!
- અનિલ ચાવડા