...#... ૧૫. સંન્યાસ સંસ્કાર...#...
મનુષ્યજીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ સિદ્ધ કરવાના હોય છે. પ્રથમ ત્રણ આશ્રમમાં ધર્મ, અર્થ અને કામને અર્થે પુરુષાર્થ કર્યો હોય છે. હવે પછીના બાકી રહેલા જીવનમાં કેવળ એક મોક્ષ અર્થે ઉપાયો કરવાના હોય છે. મોક્ષ પ્રાપ્તિ જ સન્યાસ સંસ્કાર લેવાનું મુખ્ય સાધન છે. મનુષ્યજીવનનો આ અંતિમ તબક્કો છે.
મનુસ્મૃતિમાં કહ્યું છે,
‘चतुर्थमायुषो भागं त्यक्त्वा संगान्परिव्रजेत् ।’
‘અર્થાત્ આયુષ્યના ચોથા ભાગમાં સમસ્ત સંગ-સાથ છોડીને સન્યાસ ગ્રહણ કરવો.’
સમસ્ત કામનાઓનો ત્યાગ કરી,રહી ગયેલી થોડી-ઘણી વાસનાઓથી મુક્ત થવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે જે સાધન અથવા અભ્યાસ કરવામાં આવે તેને સન્યાસ કહે છે. પુરાણ કાળમાં સંન્યાસ ગ્રહણ કરી નિવૃત્તિનો સમય જંગલોમાં પસાર કરવામાં આવતો, પરંતુ આજના સમયમાં એ શક્ય ન હોવાથી ઘરે જ સન્યાસી જેવું જીવન જીવવાનું હોય છે.
કુટુંબની એષણાઓથી મુક્ત થયેલા વાનપ્રસ્થિમાં હજુ થોડી-ઘણી દેશ-કાળની, અહમ્-મમત્વપણાની ભાવનાઓ રહેલી હોય છે. છેલ્લે તેનાથી પણ મુક્ત થઇ મોક્ષ માર્ગે પ્રયાણ કરવાનું હોય છે. સંન્યાસ ગ્રહણ કર્યા પછી વ્યક્તિ કોઇ દેશ, કુટુંબ કે જાતિનો રહેતો નથી. સન્યાસી સર્વથા સ્તુતિ-નિંદા, હર્ષ-શોક, રાગ-દ્વેષ વગેરેથી પર હોય છે. તેને કોઇ મારું-તારું હોતું નથી. તે સંપૂર્ણ પણે પરમાત્માને શરણે સમર્પિત રહે છે. સમાજ તરફથી જીવનઉપયોગી જે પદાર્થો સામેથી મળે તેનાથી પોતાનું જીવનનિર્વાહ કરે છે.
જેવી રીતે વાનપ્રસ્થ પછી સંન્યાસી થવાય છે, એ જ રીતે બ્રહ્મચર્યાશ્રમ પછી પણ સંન્યાસી થઇ શકાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ‘यदहरेव विरजेत तदहरेव प्रव्रजेत् ।’ અર્થાત્ જ્યારે સંપૂર્ણ વૈરાગ્ય ઉદય થઇ આવે ત્યારે સંન્યાસ આશ્રમ અંગીકાર કરવો. સંન્યાસ સંપૂર્ણ વૈરાગ્યને દ્યોતક છે. કોઇ બલીષ્ઠ જીવને પ્રારંભે જ વૈરાગ્ય ઉદય થઇ આવે તો તે સન્યાસ ગ્રહણ કરે છે.
વૈદિક પ્રથા પ્રમાણે સંન્યાસી પરિવ્રાજક છે. તે ગોદોહનમાત્રથી વધારે સમય એક જગ્યાએ રોકાઇ શકતો નથી. કંથા, કૌપિન, કાષ્ટપાત્રથી વધુ પદાર્થનો સંગ્રહ કરી શકતો નથી. અગ્નિને સ્પર્શી શકતો નથી. પૃથ્વી પાથરણું અને આકાશ ઓઢવાનું હોય છે. આવા કપરા નિયમ પાળવા આજના સમયમાં શક્ય નથી. તેથી શાસ્ત્રોમાં કળીયુગમાં સંન્યાસનો નિષેધ કર્યો છે.
આવતી પોસ્ટમાં આપણે જાણીશું સોળમા અને અંતિમ એવા "અંત્યેષ્ઠી સંસ્કાર" વિશે...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...