...#... વેદારંભ સંસ્કાર...#...
વેદારંભ સંસ્કાર ઉપનયન સંસ્કારની માફક ગુરુકુલ પરંપરા સાથે જોડાયેલો છે. યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ આચાર્ય બ્રહ્મચારીને વેદાધ્યયનનો પ્રારંભ કરાવે છે.
ગુરુ પાસેથી બ્રહ્મચારીએ વેદો, ઉપનિષદો વગેરે શાસ્ત્રોનું જ્ઞાન તથા લૌકિક જીવનવ્યવહારનું વિવેક સભર જ્ઞાન પ્રાપ્ત કરવું એ આ સંસ્કારનું મુખ્ય પ્રયોજન છે.
ઉપનયન થયા પછી વેદારંભ માટે શુભ દિવસથી પસંદગી થાય છે. બ્રહ્મચારી પવિત્ર દિવસે ગુરુકુલમાં પ્રવેશ મેળવે છે. વિદ્યાભ્યાસ પ્રારંભ કરતા પહેલા બ્રહ્મચારી યજ્ઞકુંડમાં આહુતી આપી ગુરુની પૂજા કરે છે. ગુરુ તેમને શિષ્ય તરીકે પસંદ કરે છે અને અભ્યાસ કરાવવાનો પ્રારંભ કરે છે. ગાયત્રી મંત્રના પાઠથી બ્રહ્મચારીનો વિદ્યાભ્યાસ શરુ થાય છે.
વેદાધ્યયન કરાવનારા આચાર્ય બ્રાહ્મણ, વેદમાં એકનિષ્ઠ, ધર્મજ્ઞ, કુલીન, મર્મજ્ઞ, વેદોમાં પ્રવિણ અને અપ્રમાદી હોવા જોઇએ. તેમજ શિષ્ય બુદ્ધિમાન, બ્રહ્મચારી, ગુરુ પ્રત્યે સત્યનિષ્ઠ, સંયમી હોવો જોઇએ. વેદાધ્યયનમાં વેદને કંઠસ્થ કરવા, મંત્રોના અર્થનો વિચાર કરવો, મંત્રોનું વારંવાર રટણ કરવું, પોતે ભણેલા પાઠને બીજાને ભણાવવો વગેરે બાબતો બ્રહ્મચારી માટે અગત્યની રહે છે.
મુખ્યત્વે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વેશ્ય એમ ત્રણ વર્ણને વેદાધ્યયનના અધિકારી માનવામાં આવ્યા છે. વૈદિક કાળમાં ગુરુકુલમાં પ્રવેશ પામેલ રાજકુમારો તથા ક્ષત્રિયોને વેદાધ્યયનની સાથે ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, પુરાણો વગેરેનો અભ્યાસ કરાવાતો અને હાથી, ઘોડા તથા રથની સવારી, અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા પણ શીખવવામાં આવતી, જ્યારે વૈશ્યોને વેદાધ્યયનની સાથે સાથે વ્યાપાર, પશુપાલન અને ખેતીની શિક્ષા અપાતી.
આજના સમયમાં આ બધા સંસ્કારો લભભગ લુપ્તપ્રાય થયા છે. બાળક ત્રણ-ચાર વર્ષનું થાય ત્યાં એમના અધ્યયનનો પ્રારંભ થઇ જાય છે. અભ્યાસનો પ્રારંભ કરાવતી વખતે ગોળ-ધાણા વહેચવા સીવાય કોઇ પણ પ્રકારની વિધિ થતી નથી.(શહેરોમાં તો એય નહીં હો - સ્ટેટસ નડે ને યાર...) અભ્યાસમાં બાળકની કયા વિષયમાં રુચિ છે તે જોવાતું નથી. વેદોનું અધ્યયન તો સાવ વિસરાઇ ગયું છે (અરે વેદ શબ્દની ખબર નથી બાળકોને) વેદોનું અધ્યાપન-અધ્યયન કરાવનારા-કરનારાઓ તો ગોત્યાય મળતા નથી. આવા સમયે કોઇ દીર્ઘદ્રષ્ટા મહાપુરુષો જ ગુરુકુલો દ્વારા વિસરાઇ રહેલી મૂળ પરંપરાઓને અથાગ પ્રયત્નો સાથે જાળવી રહ્યા છે.
આશા રાખીએ કે સર્વભાષાઓની જનની સંસ્કૃત ભાષા ભારતવર્ષમાં ફરી ગૌરાન્વિત થાય અને વૈદિક સાહિત્યના અભ્યાસ પ્રત્યે વિદ્યાર્થીઓને આકર્ષણ ઉદ્ભવે.
સમયની બલિહારી તો જુવો પરિજનો આજનો ભારતવર્ષની સનાતન સંસ્કૃતિ અંતને આરે ઊભી છે અને આપણે હજુ પાશ્ચાત્ય સંસ્કૃતિના કેફમાંથી બહાર આવવાને બદલે હજુ એમાં ગરક થતા જઇ રહ્યા છિયે.
ઓલા ભૂરીયાઓને સમજાઇ ગયું છે કે સંસ્કૃત ભાષા સિવાય ઉદ્ધાર નથી અને એ ભારત આવી સંસ્કૃત શિખી રહ્યા છે. અને આપણે હજુ ઊંઘી રહ્યા છિયે...
સ્વયંને આજે એક પ્રશ્ન કરજો કે," શું મારે હવે ખરેખર હવે જાગવાની જરુર નથી??"
શુભસ્તુ...
આવતી પોસ્ટમાં આપણે જાણીશું બારમા સંસ્કાર એવા "સમાવર્તન સંસ્કાર" વિશે...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.... હર....